ગુજરાત

સુરેન્દ્રનગરના વડોદ ડેમ નજીક હત્યાની ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા

Published

on

2018ની સાલમાં પાઇપ લાઇન નાખવાનું કામ ચાલતું હતું ત્યારે માટી ચોરી અંગે ત્રણ શખ્સોએ ધારિયા વડે હુમલો કરતા યુવાનનું મોત નિપજ્યું હતું

વઢવાણના વડોદ ડેમ પાસે પાઈપલાઈન નાંખવાનું કામ વર્ષ 2018માં ચાલતુ હતુ. ત્યારે આ કામ માટે ખોદાણ કર્યા બાદ નીકળતી માટી એક શખ્સ ચોરી કરીને લઈ જતો હતો. આ શખ્સને માટી ચોરી કરવાની કોન્ટ્રાકટરેના પાડી હતી.


આ વાતનું મનદુ:ખ રાખી વર્ષ 2018માં બાળ આરોપી સહિત ત્રણ શખ્સોએ ધારિયા વડે હુમલો કરી 1 વ્યક્તિનું મોત નિપજાવ્યુ હતુ. જયારે 1ને ઈજા પહોંચાડી હતી. આ કેસ બુધવારે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.


વઢવાણ તાલુકામાં વડોદ ડેમ આવેલો છે. સૌની યોજના અંતર્ગત ડેમમાંથી પાઈપલાઈન થકી અન્ય સ્થળે પાણી પહોંચાડવા પાઈપલાઈન નાંખવાનું કામ વર્ષ 2018માં ચાલતુ હતુ. આ કામનો મુખ્ય કોન્ટ્રાકટ મુંબઈની પ્રતિભા લિ.નો હતો. જેમાં મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટર તરીકે રાજકોટની કોન્ટ્રાકટર કંપની કામ કરતી હતી. આ કંપનીના રાજકોટના જસદણ તાલુકાના પીપળીયા ગામના જયદીપભાઈ હસુભાઈ ધાંધલ અને તેમના ફઈના દિકરા ઉદયરાજ માણસીભાઈ વાળા સહિતનાઓ કામ કરતા હતા. પાઈપલાઈનના કામ માટે કરાયેલા ખોદકામમાં મોટા પ્રમાણમાં માટી નીકળતી હતી. ત્યારે વસ્તડીનો મહિપત જોરૂૂભાઈ ગોહીલ અવારનવાર માટીની સાઈટ પરથી ચોરી કરતો હતો. આથી જયદીપભાઈ સહિતનાઓએ તેને માટી ચોરવાની ના પાડી હતી.

ગત તા. 19-2-2018એ જયદીપભાઈ, ઉદયરાજભાઈ અને પંકજભાઈ મુલીયા કાર લઈને સાઈટ પર જતા હતા. ત્યારે ર બાઈક પર મહિપત જોરૂૂભાઈ ગોહીલ, પૃથ્વી ઉર્ફે પથો દશરથભાઈ ગોહીલ અને એક બાળ આરોપી આવ્યા હતા. અને બાઈક કાર આડે નાંખ્યુ હતુ. બાદમાં ત્રણેય શખ્સોએ અપશબ્દો કહ્યા હતા. જેમાં જયદીપભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં ઉદયભાઈને માથામાં ઈજા પહોંચી હતી. જયારે જયદીપભાઈને આંગળીના ભાગે ધારીયુ વાગ્યુ હતુ. આથી પંકજભાઈ સહિતનાઓ દ્વારા બન્નેને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં ઉદયભાઈનું મોત થયુ હતુ. જયારે જયદીપભાઈને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.

બનાવની જોરાવનગર પોલીસ મથકે બાળ આરોપી સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ બુધવારે સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં પુરાવા, સાક્ષીઓના નીવેદન તથા સરકારી વકીલ આર.બી.રાઓલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે સજા ફરમાવી હતી. જેમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એલ.એસ. પીરઝાદાએ મહિપત જોરૂૂભાઈ ગોહીલને આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે પૃથ્વી ઉર્ફે પથો દશરથભાઈ ગોહીલને બે વર્ષની સજા ફટકારી ન્યાય તોળ્યો છે. બાળ આરોપી સામે જુવેનાઈલ કોર્ટમાં કેસ ચાલે છે.


આ અંગે સરકારી વકીલ રાજભા રાઓલે જણાવ્યુ કે, આ કેસમાં ઉદયભાઈનું મોત થયુ હતુ. જયારે જયદીપભાઈને ઈજાઓ પહોંચી હતી. જયદીપભાઈની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે કેસ ચાલવા દરમિયાન પણ જયદીપભાઈએ કોર્ટ સમક્ષ આપેલી જુબાની કેસમાં મહત્વની સાબિત થઈ હતી. અને કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version