Site icon Gujarat Mirror

ગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપ

ગોંડલની એડિશનલ સેશન્સ કોર્ટે 27 જાન્યુઆરી, 2026ના રોજ એક જ દિવસે બે મહત્વપૂર્ણ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. બંને કેસમાં મુખ્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને ઓછી સજા અને મુક્તિના આદેશ આપવામાં આવ્યા છે. આ ચુકાદા એડિશનલ સેશન્સ જજ એમ. એ. ભટ્ટી દ્વારા ખુલ્લી કોર્ટમાં જાહેર કરવામાં આવ્યા છે.

ગોંડલ શહેર પોલીસ મથકમાં 2019માં નોંધાયેલા ચકચારી હત્યા કેસમાં મુખ્ય આરોપી હુસેનભાઈ મકસૂદભાઈ શેખા મેમણને ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ) કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને 5,000 રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ એક માસની જેલનો આદેશ પણ આપવામાં આવ્યો છે. સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બીપિન ખંઢેરિયાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે મૃતકના પિતાને વળતર આપવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA), રાજકોટને ભલામણ કરી છે.

બીજો ચુકાદો ગોંડલના રામ દ્વાર પાસે 17 એપ્રિલ, 2018ના રોજ યુવરાજસિંહ અશોકસિંહ જાડેજાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી અશ્વિન મોહનભાઈ ગોહેલ (રહે. ખરેડા)ને IPC કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઘટના દરમિયાન યુવરાજસિંહ અને તેમના સંબંધી વિરભદ્રસિંહ ઝાલા લઝીઝ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમતા હતા. આરોપીઓ નરેન્દ્ર કિરીટભાઈ ડાભી, સિદ્ધરાજ કરસનભાઈ ગોહેલ, મનોજ રવજીભાઈ ચાવડા અને અશ્વિન ગોહેલ પણ ત્યાં હતા અને જોરજોરથી રાડો પાડતા હતા. યુવરાજસિંહે શાંતિ જાળવવા કહ્યું તો આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને હુમલો કર્યો. અશ્વિન ગોહેલે લાકડાના ધોકા વડે માથામાં ઘા માર્યા, જેના કારણે યુવરાજસિંહનું હોસ્પિટલમાં મોત થયું હતું.

અન્ય આરોપીઓને આઇપીસી કલમ 323 હેઠળ દોષિત ઠેરવી 3 મહિનાની સાદી કેદ અને 1,000 રૂૂપિયાના દંડની સજા આપવામાં આવી છે. તેઓ અગાઉ જેલમાં 5 મહિના વિતાવી ચૂક્યા હોવાથી મુક્ત કરવામાં આવ્યા છે. સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો અને ફરિયાદી વિરભદ્રસિંહ ઝાલાની જુબાની તથા મેડિકલ પુરાવા ધ્યાને લઈને આ ચુકાદો આપવામાં આવ્યો છે. આ બંને ચુકાદા ગોંડલ પોલીસ અને ન્યાય વ્યવસ્થાની કાર્યક્ષમતાને દર્શાવે છે. કોર્ટે મુદ્દામાલના નિકાલ અને દસ્તાવેજોના દફતરીકરણના આદેશ પણ આપ્યા છે. આ ઘટનાઓએ ગોંડલમાં રાહત અને ન્યાયની ભાવના જગાવી છે.

Exit mobile version