ગોંડલ તાલુકાના ભોજપરા ગામે રહેતા અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય બાબુભાઈ કરસનભાઈ સરવૈયાએ ગઈકાલે રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે તાત્કાલિક તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક વિગતો મુજબ, બાબુભાઈ છેલ્લા બે વર્ષથી બીમારીના કારણે ઘરે જ રહે છે અને પરિવારમાં ત્રણ પુત્રો ધરાવે છે. તેઓએ આ અંતિમ પગલું ભરવા પાછળ ગામના સરપંચના પતિ વિપુલ હરજીભાઈ પરમાર દ્વારા કરવામાં આવતી માનસિક પજવણીને જવાબદાર ઠેરવી છે.
બાબુભાઈના જણાવ્યા અનુસાર, વિપુલ હરજીભાઈ પરમાર તેમને ખોટી ફરિયાદો કરી સતત હેરાન કરી રહ્યા હતા, જેનાથી કંટાળીને તેઓએ પોલીસ સ્ટેશન પાસે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલમાં બાબુભાઈની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે.
