ક્રાઇમ

માંગરોળના શીલમાં યુવકને ઝાડ સાથે બાંધી મોતને ઘાટ ઉતાર્યો

Published

on

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેડતીના મામલે એક રખડતુ ભટકતું જીવન જીવતાં યુવકની ઝાડ સાથે બાંધી તાલીબાની સજા આપી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાની ઘટના બહાર આવતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ ઘટના અંગે પોલીસે મહિલા સહિત પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.


મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના શીલ પાસેના ચંદવાણા ગામે રહેતા સંગીતાબેન કારાભાઈ ઘોસીયા ગામની નફરી વાડી તરીકે ઓળખાતી સીમમાં નારણભાઈ ઘોસીયાના ખેતરમાં આવેલ મામાદેવના થાનકની જગ્યામાં દીવાબતી કરતા હતા. અને ચંદવાણા ગામના વરજાંગભાઈ વીરાભાઇ વાજા નામનો યુવાન મહિલા જ્યારે દિવાબતી કરવા જાય ત્યારે ત્યાં દર્શન કરવા જતો હતો. પરંતુ વરજાંગ મહિલાની પાછળ ફરે છે એવી શંકા રાખી તેમની પાછળ છેલ્લા ત્રણ દિવસથી હરેશ કારાભાઈ ઘોસીયા, તેનો ભાઈ જયેશ, પિતા કારા અરજણ તથા તેની પત્ની સંગીતા અને કંકણા ગામના સામત રાજા મજેઠીયા વરજાંગનો પીછો કરતા હતા.


દરમિયાન મોડી રાત્રે વરજાંગ મામાદેવના થાનકે દર્શન કરવા જતા આ શખ્સો તેને પકડી લઈ દોરડા વડે આંબાના ઝાડ સાથે બાંધી લાકડીઓ અને ધોકા વડે આડેધડ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અંગેની જાણ મૃતકના ભાઈ દિનેશ વીરાભાઇને થતા તેમને તેમના ભાઈનો મૃતદેહ જ હાથ આવ્યો હતો. આ અંગે શીલ પોલીસે મહિલા સહિત પાંચ શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી વધુ તપાસ પીએસઆઇ એચ. વી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version