Site icon Gujarat Mirror

ગુંદાળામાં કૂતરાને પથ્થર મારવા જેવી નજીવી બાબતે યુવાન પર છરી વડે ખૂની હુમલો

oplus_2097184

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંદાળા ગામે રહેતા અને લાદી ઉતારવાનું મજૂરી કામ કરતા 24 વર્ષીય રવિ કિશોરભાઈ નામના યુવાન પર ગામના જ ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં રવિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે.

આ ઘટના પાછળનું કારણ અત્યંત નજીવું હોવાનું સામે આવ્યું છે. ગત તારીખ 20 માર્ચના રોજ રવિ જે શેરીમાં રહે છે ત્યાં કૂતરાઓ અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. આ દરમિયાન કૂતરાઓને છૂટા પાડવા માટે રવિએ એક પથ્થર ફેંક્યો હતો. આ પથ્થર આરોપી રોહિતના કૂતરાને વાગતા મામલો બિચક્યો હતો. પોતાના પાલતુ કૂતરાને પથ્થર કેમ માર્યો તે બાબતે રોહિત અને રવિ વચ્ચે તે સમયે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ જૂની અદાવત મનમાં રાખીને આરોપીઓએ હુમલાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.

હુમલાની આ ઘટનામાં રાહુલ નરશી વાસકોલા અને તેના બે ભાઈઓ રોહિત તથા રાજુ સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે રવિ ગામમાં હાજર હતો ત્યારે આ ત્રણેય ભાઈઓએ તેને આંતરીને જૂની વાતે ઝઘડો કરી ગાળો ભાંડી હતી. જોતજોતામાં ઉશ્કેરાયેલા રાહુલ અને તેના ભાઈઓએ રવિ પર છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરો રવિને ગંભીર ઇજા પહોંચાડી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી ત્રણેય હુમલાખોર ભાઈઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version