Site icon Gujarat Mirror

રાણપુરના ગોધાવટામાં યુવાન કામ સબબ નીકળ્યા બાદ હત્યા કરાયેલી લાશ મળી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામની સીમમાં યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં બે આરોપીઓ સામે ગુનો નોંધાઈ પોલીસે તપાસ શરૂૂ કરી છે. આ અંગે મેહુલભાઈ ગોવિંદભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ સંજયભાઈ ગોવિંદભાઈ વાઘેલા તા.22 માર્ચ 2026ના રોજ સાંજે ગોધાવટા ગામે કામસર ગયા હતા. પરંતુ રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂૂ કરી હતી.

ફોન સંપર્ક ન થતા ચિંતા વધતા પરિવારજનોએ ગામ અને આસપાસ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તા. 23 માર્ચની મધરાત્રિ બાદ રાણપુર પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે, કાળુભાઈ ભંતરીયાભાઈ જુમરા અને પ્રથમભાઈ દીનેશભાઈ ગઢવી વચ્ચે સંજયભાઈ સાથે ઝઘડો થયો હતો અને તેમને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો.આ માહિતીના આધારે પરિવારજનો ગોધાવટા ગામની સીમમાં પહોંચ્યા ત્યારે સંજયભાઈ ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા.

મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. નજીકમાં તેમની કાર અને મોબાઇલ પણ મળી આવ્યા હતા . પોલીસે સ્થળ પર પહોંચી ઇન્ક્વેસ્ટ પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડ્યો હતો. આ બનાવમાં કાળુભાઈ જુમરા (મૂળ મધ્યપ્રદેશ) અને પ્રથમભાઈ ગઢવી સહિત અન્ય અજાણ્યા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. હાલ રાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપવા કાર્યવાહી તેજ કરી છે.

Exit mobile version