ગુજરાત

લિફ્ટ નીચે દબાઇ જતા ત્રણ વર્ષની બાળકીનું મોત

Published

on

દરવાજો ખૂલી જતા ચોકીદારની દીકરી ખાડામાં ખાબકી, ઉપરથી લિફટ આવી જતા માથું ચગદાઇ ગયું: યુનિ. રોડ ઉપર દેવલોક એપાર્ટમેન્ટની ઘટના


શહેરમાં લિફટવાળા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારો બાળકોને લિફટ પાસે રમતા મોકલતા હોય તેઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ચોકમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચોકીદારની ત્રણ વર્ષની બાળકી રમતી હતી ત્યારે લીફટનો દરવાજો ખુલી જતા ખાડામાં પટકાઇ હતી અને ઉપરથી લિફટ નીચે આવતા બાળકી દબાઇ જતા ગંભીર ઇજા થવાથી મોત નિપજયું હતું. એકની એક પુત્રીના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત છવાયો છે.


જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ચોક પાસે દેવલોક એપાર્ટમેન્ટમાં ચોકીદારની ઓરડીમાં રહેતા નેપાળી પરિવારની ત્રણ વર્ષની બાળકી મીરીના બિમલભાઇ કાર્કી આજે સવારે 11 વાગ્યાના અરસામાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર ઉપર રમતી હતી.


દરમિયાન લીફટ છઠા માળે હોવા છતાં લિફટનો દરવાજો ખુલી ગયો હતો. જેથી બાળકી લિફટના ખાડામાં પટકાઇ હતી. બાદમાં છઠા માળેથી લીફટ નીચે આવતા બાળકી લીફટ નીચે દબાઇ ગઇ હતી.બનાવની જાણ થતા એપાર્ટમેન્ટ ધારકો અને બાળકોના માતા-પિતા સહીતના પરિવારજનો દોડી આવ્યા હતા. બાદમાં લીફટમેનને બોલાવી લીફટ ઉપર કર્યા બાદ ખાડામાંથી બાળકીને બહાર કાઢતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજયું હતુંં.


આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં નેપાળી પરિવાર છ મહીનાથી અહીં રહેવા આવ્યો હતો. મરીના એકની એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version