ગુજરાત

ઈમ્પેક્ટ હેઠળ મંજૂર થયેલ એક પણ બાંધકામને ફાયર NOC નહીં મળે

Published

on

સરકારે ગેરકાયદેસર બાંધકામોની કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફી યોજના અમલમાં મુકીને વખતો વખત મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ઈમ્પેક્ટ ફીના નિયમો કડક હેોવાના કારણે જોઈએ તેટલો પ્રતિસાદ આ યોજનાને સાપડ્યો નથી. છતાં વધારાનું ગેરકાયદેસર બાંધકામ અનેક આસામીઓએ આ યોજનાનો લાભ લીધો છે. પરંતુ બાંધકામ કાયદેસર થયા બાદ ફાયર વિભાગમાં ફરી કોકડું ગુંચવાઈ ગયું છે. નિયમો હેઠળ આવતા બાંધકામોમાં ઈમ્પેક્ટ ફીની મંજુરી મળી હોય છતાં ફાયર વિભાગે એનઓસી ફાળવવાની કામગીરી અટકાવી દેતાં દોડાદોડી થઈ પડી છે.


શહેરના વર્ષો પહેલા બની ગયેલા ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલરાઈઝ કરવા માટે સરકારે ઈમ્પેક્ટ ફી કાયદો અમલમાં મુક્યો છે. જેને શરૂઆતમાં નબડો પ્રતિસાદ સાપડ્યો હતો. કારણ કે, ઓનલાઈન કામગીરીમાં ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે વિસંગતતાઓ આવતા અંતે સરકારે ઓફલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ કર્યુ હતું. ગેરકાયદેરર બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટે સરકાર દ્વારા અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત માર્જીનની જગ્યા ખાસ મહત્વની ગણવામાં આવે છે. તેવી જ રીતે પાર્કિંગ માટે પણ વિકલ્પો આપવામાં આવ્યા છે. છતાં નિયમો આકરા હોવાથી તેમજ કોમર્શીયલમાં અમલવારી કરવામાં મુશ્કેલીઓ આવતી હોય સરકારે ઓફલાઈન સુવિધા શરૂ કરી હતી.

જે અંતર્ગત આજ સુધીમાં અનેક બાંધકામો રેગ્યુલરાઈઝ થઈ ગયા છે. યોજનાની અમલવારી દરમિયાન શાળા-કોલેજો તેમજ કોમર્શીયલ એકમોમાં અગાશી ઉપર તૈયાર થયેલ પ્લાસ્ટિકના ડોમ સામે ફાયર વિભાગે વાંધો લઈ આ પ્રકારના મંજુર થયેલા બાંધકામોને પણ એનઓસી ન આપવાનો નિર્ણય લીધો હતો. અને હવે ફાયર એનઓસી મળવા પાત્ર હોય અને નિયમો હેઠળ આવતી હોય તેવી ઈમ્પેક્ટ ફી હેઠળ રેગ્યુલરાઈઝ થઈ ગયેલી ઈમારતો તેમજ બાંધકામોને ફાયર એનઓસી આપવા બાબતે કોકડું ગુંચવાયું છે. અને ફાયર વિભાગે હાલ 70થી વધુ ફાઈલો પેન્ડીંગ તરીકે મુકી દીધી છે.


ફાયર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી નિયમ હેઠળ જે નિયમો બનાવવામાં આવ્યા છે. તેનું પાલન કર્યા બાદ અનેક બાંધકામોએ ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરાવી દીધા છે. ત્યાર બાદ ફાયર વિભાગના નિયમ હેઠળ આવતા બાંધકામોએ ફાયર એનઓસી માટે અરજી કરેલ હતી. જે અંતર્ગત ફાયરની ટીમ દ્વારા સ્થળ તપાસ કરતા બાંધકામો ફરતે મુકવામાં આવતી માર્જીનની જગ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. પાર્કિંગ મુદ્દે પણ ઈમ્પેક્ટ ફી નિયમ મુજબ અન્ય સ્થળે પાર્કિંગ બતાવવાનું થતું હોય છે.

જેના લીધે પાર્કિંગની જગ્યા બંધ થઈ જતાં અમુક બાંધકામોમાં પાણીના સંગ્રહ માટેની જગ્યા પણ ન હોવાની ધ્યાનમાં આવેલ તેવી જ રીતે અગાશી ઉપર વધારાનું બાંધકામ કરી લીધેલ હોય અને ઈમ્પેક્ટ ફીની ફી ભરીને રેગ્યુલરાઈઝ કરાવી લીધું હોય પરંતુ અગાશી ખુલ્લી રાખવાનો નિયમ ફાયર વિભાગનો હોવાથી તેમને પણ ફાયર એનઓસી મળવા પાત્ર ન હોવાનું જાણવા મળેલ આ મુદ્દે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવેલ છતાં આજ સુધી ઈમ્પેક્ટ ફી હેઠળ મંજુર થયેલા બાંધકામોને ક્યા નિયમ હેઠળ ફાયર એનઓસી આપવી તેવો પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી આથી હાલ મોટાભાગની અરજીઓ પેન્ડીંગ રાખવામાં આવી છે.

દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?
શહેરમાં તાજેતરમાં બનેલ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ તમામ પ્રકારની કામગીરી ફૂંકી ફૂકીને કરી રહ્યું છે. છતાં ઈમ્પેક્ટ ફી હેઠળ રેગ્યુલરાઈઝ થયેલા બાંધકામો મુદ્દે ફરી વખત ફાયર વિભાગ અવઢવમાં મુકાઈ ગયું છે. કારણ કે, ઈમ્પેક્ટ ફીના નિયમ મુજબ કોઈ પણ બાંધકામ રેગ્યુલરાઈઝ કરાવી લીધેલ હોય પરંતુ આ બાંધકામ ફાયરના નિયમો હેઠળ આવતું ન હોય તેમને ફાયર એનઓસી ફાળવવામાં આવી નથી. છતાં આ બાંધકામોમાં લોકોની અવર જવર તેમજ અન્ય કામકાજ ચાલુ છે અને સરકારે નિયમો અંતર્ગત નવો એસઓપી જાહેર કર્યો નથી. આથી આગની દૂર્ઘટના સર્જાય ત્યારે દોષનો ટોપલો ફાયર વિભાગ ઉપર આવે તેવી સંભાવના ઉભી થઈ છે. આથી આ પ્રકારના બાંધકામો માટે જવાબદાર કોણ? તેવી પણ ચર્ચા ફાયર વિભાગમાં જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version