મોટીખાવડી પાસે બે કાર મોરેમોરો આવી ગયા બાદ ચાલકો વચ્ચે બઘડાટી

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં મોટીખાવડી ગામના ગેઇટ નજીક બે કારચાલકો વચ્ચેની તકરારની ઘટનાને પગલે બંને પક્ષોની સામસામી ફરિયાદ અંગેના ગુનાઓ નોંધવામાં આવ્યા…

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં મોટીખાવડી ગામના ગેઇટ નજીક બે કારચાલકો વચ્ચેની તકરારની ઘટનાને પગલે બંને પક્ષોની સામસામી ફરિયાદ અંગેના ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
પહેલી ફરિયાદ મુજબ, જામનગરના રહેવાસી અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા નીરજભાઈ પ્રવીણભાઈ ભુવાએ આરોપ મૂક્યો છે કે ફોર્ચ્યુનર કાર (જીજે-18-ઈબી-4463)ના ચાલક તથા તેની સાથે રહેલા બે અજાણ્યા શખ્સોએ ટ્રાફિક દરમિયાન બેફામ રીતે વાહન ચલાવી તેમની સ્કોર્પિયો કાર આગળ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તામાં અવરોધ સર્જાતાં વિવાદ ઉગ્ર બન્યો હતો. ફરિયાદ અનુસાર આરોપીઓએ સ્કોર્પિયોના બોનેટ, કાચ અને સાઇડ મિરર પર માર મારી નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મેઘપર (પડાણા) પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજી તરફ ગાંધીનગર જિલ્લાના મહુન્દ્રા ગામના જતીનકુમાર દશરથભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ દ્વારકા દર્શન માટે જતા હતા ત્યારે સ્કોર્પિયો કારના ચાલકે તેમની ફોર્ચ્યુનર કારને જોખમી રીતે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. વાહનો વચ્ચે અથડામણ થતાં નુકસાન થયું હતું. ફરિયાદ મુજબ સ્કોર્પિયો ચાલકે ગાળાગાળી કરી હતી અને કારનો કાચ ચડાવી દેતાં તેમની આંગળીઓ ફસાઈ ગઈ હતી. ત્યારબાદ થયેલી બોલાચાલી દરમિયાન ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મેઘપર (પડાણા) પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ અલગ-અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શ્ર્વાન પર ક્રૂર હુમલો કરનાર આરોપીની અટકાયત
જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં નિર્દોષ શ્વાન પર ક્રૂરતાપૂર્વક હુમલો કરવાના બનાવમાં સીટી ’સી’ ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી છે. આરોપીની ઓળખ કુલદીપસિંહ જાડેજા તરીકે થઈ છે. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે બનાવના દિવસે તે પોતાના બે વર્ષના પુત્રને લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કેટલાક શ્વાન તેના પુત્ર તરફ ભસતા અને દોડતા આવ્યા હતા. જેના કારણે તે ઉશ્કેરાઈ ગયો હતો, અને પોતાના હાથમાં રહેલી હોકી સ્ટીક વડે શ્વાનને ફટકાર્યો હોવાનું જણાવ્યું છે.આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ પ્રાણીપ્રેમીઓની ફરિયાદના આધારે પશુ પ્રત્યે ક્રૂરતા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરા તેમજ અન્ય પુરાવાના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. જોકે નોંધાયેલો ગુનો જામીનલાયક હોવાથી પોલીસે આરોપીને કાયદાકીય નોટિસ આપીને મુક્ત કર્યો છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ સીટી ’સી’ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ તરુણભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.