જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકડી વિસ્તારમાં રવિવારે સવારે એક વિચિત્ર અને રોમાંચક ઘટના સર્જાઈ હતી. જામનગર મહાનગરપાલિકા માટે બહારથી મંગાવવામાં આવેલું ભારે હાઈડ્રોલિક મશીન ટ્રકમાંથી નીચે ઉતારવાની પ્રક્રિયા દરમિયાન અચાનક આખા ટ્રકનો આગળનો ભાગ હવામાં ઊંચકાઈ જતાં સ્થળ પર હાજર લોકોમાં ક્ષણિક ચિંતા અને આશ્ચર્ય ફેલાઈ ગયું હતું, અને દોડધામ થઈ હતી.
સદભાગ્ય આ વિચિત્ર અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ થોડો સમય માટે ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, ભારેખમ હાઈડ્રોલિક મશીનને ટ્રકમાંથી ઉતારવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મશીનનું વજન ધીમે ધીમે ટ્રકના પાછળના ભાગ તરફ સરકતાં સંતુલન બગડ્યું હતું. પરિણામે ટ્રકનો આગળનો ભાગ જમીન પરથી ઊંચકાઈ ગયો હતો અને થોડા સમય માટે ટ્રક અધ્ધર સ્થિતિમાં જોવા મળ્યો હતો. અચાનક સર્જાયેલા આ દૃશ્યને જોઈને સ્થળ પર હાજર લોકોમાં અકસ્માતની ભીતિ સર્જાઈ હતી.
જોકે, ટ્રક ચાલકે ધીરજ અને સૂઝબૂઝ દાખવી સમગ્ર પરિસ્થિતિને સંભાળી લીધી હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ કે માલમત્તાનું નુકસાન થયું નહોતું અને હાઈડ્રોલિક મશીનને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યું હતું. ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ, આ અનોખું દૃશ્ય નિહાળનારા લોકોએ તેના ફોટા અને વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરતા ઘટના ચર્ચાનો વિષય બની હતી.
