ક્રાઇમ

રાજકોટના ખેડૂતની ગુલાબનગર વિસ્તારમાં આવેલી જમીન પચાવી પાડવાનો કારસો

Published

on

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં આવેલી રાજકોટના એક ખાતેદાર ખેડૂતની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી ત્રણ કાચી ઓરડી બનાવી નાખનાર અને જગ્યા ખાલી નહીં કરનાર મહિલા અને તેના પુત્રો સામે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતાં ચકચાર જાગી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં મોટા મવા વિસ્તારમાં રહેતા ખાતેદાર ખેડૂત મનસુખભાઈ બાવલજીભાઈ માકસણા નામના ખાતેદાર ખેડૂતે જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં આવેલી પોતાની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી ત્રણ કાચી ઓરડી બનાવી નાખવા અંગે તેમજ જમીન નો કબ્જો નહીં સોંપી આપવા અંગે જામનગરમાં રહેતી નંદુબેન વીરજીભાઈ પરમાર નામની સતવારા મહિલા અને તેના પુત્રો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીએ 2003ની સાલમાં ઉપરોક્ત જગ્યા જામનગરના વિમલાકુમારીબા જાડેજા પાસેથી પોતાના ભાગીદાર નિકુલભાઇ ગઢવી સાથે ભાગીદારીમાં ખરીદ કરી હતી, અને ઉપરોક્ત જગ્યામાં બાંધકામ કરવા માટે જામનગર મહાનગરપાલિકાની કચેરી માંથી મંજૂરી પણ મેળવી હતી.
જેના અનુસંધાને બાંધકામ કરવા જતાં તે જગ્યામાં દબાણ કરી લેનાર નંદુબેન પરમાર અને તેના પુત્રોએ જગ્યા ખાલી કરી ન હતી, અને ધાક ધમકી ઉચ્ચારી હતી.

આ મામલે કોર્ટ કેસ પણ કરવામાં આવ્યો હતો, અને કોર્ટે પણ જગ્યા ખાલી કરી દેવા માટે ફરમાન કર્યું હોવા છતાં આરોપીઓએ જગ્યા ખાલી કરી ન હોવાથી આખરે જામનગરના જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં તપાસના અંતે આખરે જમીનમાં ગેરકાયદે દબાણ થયું હોવાનું સામે આવતાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version