Site icon Gujarat Mirror

સ્વામિનારાયણ મંદિરમાં દાન આપવાના નામે 51 ગ્રામ સોનાનો હાર તફડાવી જતો ગઠિયો

શહેરના વાસણા સ્વામિનારાયણ મંદિરમાં સોનાનો હાર ચઢાવવાનું કહીને ગઠિયો સ્વામીને વિશ્વાસમાં લઈ 51 ગ્રામ સોનાનો હાર લઈને ફરાર થઈ ગયો છે. દીકરીને સરકારી મેડિકલ હોસ્પિટલમાં એડમિશન મળશે તો 51 ગ્રામ સોનાનો હાર ચઢાવવાની માનતા રાખી હોવાનું કહીને સ્વામી પાસે સોનાનો હાર જોવા માટે મંગાવ્યો હતો. બાદમાં તેઓને વિશ્વાસમાં લઈ ગઠિયો હાર લઈને પલાયન થઈ ગયો છે. વાસણા પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.

શહેરના વાસણા વિસ્તારમાં રહેતા અને સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી તરીકે સેવા કરતા અમરતભાઈ પટેલે વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. 20મી ડિસેમ્બરના દિવસે સાંજના સમયે તેમના મોબાઇલ પર અજાણ્યા શખ્સે ફોન કરીને કહ્યું હતું કે મારી દીકરી માટે માનતા રાખેલી હતી કે દીકરીને સરકારી મેડિકલ હોસ્પિટલમાં એડમિશન મળી જાય તો 51 ગ્રામ સોનાનો હાર ચઢાવીશ.

ગઠિયાની દીકરીને ભાવનગર ખાતે એડમિશન મળી ગયેલ હોવાથી 51 ગ્રામ સોનાનો હાર ચઢાવવો છે જેથી મને હાર બતાવજો તેમ વાત કરી હતી. ગઠિયાએ અમરતભાઈને કહ્યું હતું કે અમે સવારના સમયે સુરતથી પાંચ વ્યક્તિઓ આવવાના છીએ અને બીજા ત્રણ વ્યક્તિ બાપુનગરથી આવવાના છે. જેથી અમારી રસોઈ બનાવજો. ગઠિયાના કહેવાથી અમરતભાઈએ સોનાનો હાર મંગાવીને રાખ્યો હતો. સવારના સાડા નવ વાગ્યાની આસપાસ ગઠિયાએ ફોન કરીને તેઓ અમદાવાદ આવી ગયા હોવાનું કહેતા અમરતભાઈએ તેઓને મંદિરમાં આવવાનું કહ્યું હતું. જેથી બે ગઠિયાઓ આવ્યા હતા અને પૂજ્ય સેવા સ્વામીને મળ્યા બાદ તેઓને પૂજા વિધિમાં પણ બેસાડ્યા હતા. સ્વામીએ તેમનું નામ પૂછતા ગઠિયાએ પોતાનું નામ ગોપાલભાઈ હોવાનું જણાવ્યું હતું.

બાદમાં ગઠિયાએ સોનાના હારનું પેમેન્ટ કરવું હોવાનું કહીને એક્સિસ બેંકનો રૂૂપિયા 6 લાખ 51 હજારનો ચેક પણ જમા કરાવીને રસીદ મેળવી હતી. અને તેની સાથે તેમની પત્ની પણ આવી હોવાથી સોનાનો હાર પત્નીને બતાવીને આવવાનું કહ્યું હતું. જો કે આ સમયે પૂજ્ય સેવા સ્વામી પણ તેમની સાથે હતા.

પરંતુ ગઠિયાએ સ્વામીને કહ્યું હતું કે બાપુનગરથી જે ત્રણ વ્યક્તિઓ આવવાના હતા તેમની ગાડીને અકસ્માત થયો છે. સ્વામી ભગવાનને થાળ ધરાવવાની વિધિમાં રોકાઈ ગયા હતા. થોડા સમય બાદ આ બંન્ને ગઠિયાઓ પરત ના આવતા ફરિયાદીએ તેઓને ફોન કર્યો હતો.

પરંતુ ફોન પણ સ્વીચઓફ આવતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. જે બાબતની જાણ પોલીસને કરતા વાસણા પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version