મહિલા અનામત અને સમાંકન ખરડા મુદ્દે એનડીએની સ્થિતિ મજબૂત થઇ રહી છે. મુખ્ય ઘટકપક્ષો આંધના તેલુગુદેશમ, બિહારના જેડીયુ, મહારાષ્ટ્રની સિંદેની શિવસેના તથા નાનાપક્ષો સરકાર તરફ એકજૂથ થયા છે. એટલુ જ નહીં કોઇ ગંઠબંધનમાં સામેલ ન હોય તેવા ઓડિશાના નવીન પટનાયકની બીજેડી તથા આંધ્રની વાયએસઆર કોંગ્રેસ પણ સરકારના સમર્થનમાં આવી છે. બીજી તરફ ઇન્ડિયા બ્લોક સાથે રહેલી શરદ પવાની એનસીપી અને ડિએમકે પણ ખુલ્લેઆમ સુધારા ખરડાને સંસદમાં સમર્થન આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના અન્ય સહયોગી ઉદ્ધવ ઠાકેરની શિવસેના પણ સરકારને ટેકો આપે તેવી શકયતા છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સીમાંકન ખરડા (Delimitation Bill) અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એકવાર આ ખરડોસીમાંકન પ્રક્રિયાની સાથે પસાર થઈ જશે, ત્યારે સંસદમાં 271 મહિલા સાંસદો હશે. નોંધનીય છે કે, પાંચ દક્ષિણી રાજ્યો માટે બેઠકોની સંખ્યા 129 થી વધીને 195 થવાની છે. નાયડુએ તમામ મહિલાઓને દબાણ લાવવા અનુરોધ કર્યો અને કહ્યું કે તેઓ ઘર અને પરિવારનો 50 ટકા હિસ્સો છે. આગામી 4-5 દિવસમાં બધું સ્પષ્ટ થઈ જશે. દક્ષિણ ભારતને કોઈ નુકસાન ન થવું જોઈએ અને આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે.
જેડીએસના કેન્દ્રીયમંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ કહ્યું કે કેટલાક વર્તુળોએ એવી ચિંતાઓ વ્યક્ત કરી હતી કે આનાથી દક્ષિણ ભારતને નુકસાન થશે; જોકે, ચંદ્રબાબુ નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે 50 ટકાનો વધારો થવાથી આવી તમામ શંકાઓ દૂર થઈ ગઈ છે.
દરમિયાન એક મહત્તવની ઘટનામાં DMK એ કેન્દ્રના પ્રસ્તાવિત સીમાંકન ખરડાને સત્તાવાર સમર્થન આપ્યું છે. પક્ષના વડા એમ.કે. સ્ટાલિને આ સુધારેલા પ્રસ્તાવને તમિલનાડુ માટે મોટી જીત ગણાવ્યો છે.
સ્ટાલિને કહ્યું કે, સુધારેલા પ્રસ્તાવમાં પક્ષની એવી બે મુખ્ય માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે 2024ના વિધાનસભા ઠરાવમાં ઉઠાવવામાં આવી હતી. અગાઉ, ઉખઊંએ આ ખરડાના જૂના સ્વરૂૂપનો વિરોધ કર્યો હતો.
મહત્વની વાત એ છે કે, આ પ્રસ્તાવ સીમાંકનને તાજેતરના વસ્તીના આંકડાઓ પર આધારિત રાખવાને બદલે 1971ની વસ્તી ગણતરી સાથે જોડે છે. જો તાજેતરના આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો તેનાથી ઉત્તરીય રાજ્યોને અપ્રમાણસર લાભ થયો હોત, જે હવે ટળી ગયું છે, એમ સ્ટાલિને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આ સુધારેલા ફોર્મ્યુલાથી સંસદમાં તમિલનાડુના પ્રતિનિધિત્વનો વર્તમાન હિસ્સો જળવાઈ રહેશે અને સાથે જ લોકસભાની બેઠકોમાં પણ વધારો થશે. આમ, આગામી 25 વર્ષ સુધી રાજ્યના રાજકીય હિતોનું રક્ષણ થશે.
અન્ય અહેવાલ મુજબ, આંધ્રની YSRCP ના સાંસદો આજે સાંજે દિલ્હીમાં એક બેઠક યોજવાના છે, જેમાં તેઓ પ્રસ્તાવિત સીમાંકન ખરડા (Delimitation Bill)અને મહિલા અનામત અંગે પક્ષના વલણ પર ચર્ચા કરશે.
નોંધપાત્ર છે કે ઓડિશાની બીજુ જનતા દળ (BJD) એ હજુ સુધી એ નક્કી કર્યું નથી કે તેઓ પ્રસ્તાવિત સીમાંકન ખરડાને સમર્થન આપશે, તેનો વિરોધ કરશે કે પછી મતદાનથી દૂર રહેશે. મુખ્ય વિરોધ પક્ષે સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે ઓડિશાના હિતો સર્વોપરી રહેશે. પક્ષના સુત્રોએ સંકેત આપ્યો છે કે તે સંસદમાં સરકારને સમર્થન આપશે. હાલમાં આ પ્રદેશિક પક્ષના રાજ્યસભામાં પાંચ સભ્યો છે.
“કોઈ રોકી નહીં શકે…!” સંસદ સત્ર પહેલા મોદીનો વિપક્ષને ખુલ્લો પડકાર
સંસદના આગામી વિશેષ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કડક સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જાહેર કરીને મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશની નારી શક્તિના આશીર્વાદ તેમની સાથે છે અને મહિલા અનામતના માર્ગમાં આવતી દરેક અડચણને દૂર કરવામાં આવશે. વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મહિલા અનામત માટેની લડત દાયકાઓથી ચાલી રહી છે હું દેશની દરેક મહિલાને ખાતરી આપું છું કે અમે મહિલા અનામતના રસ્તામાં આવતા દરેક અવરોધને ખતમ કરીને જ રહીશું. વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે સરકારનો જુસ્સો બુલંદ છે અને ઈરાદો અડગ છે. મહિલા અનામતનો વિરોધ કરનારા પક્ષો સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસોને રોકી શકશે નહીં. અંતમાં તેમણે સૂચક અંદાજમાં કહ્યું કે, હવે માત્ર સમયની રાહ છે.
