મુંબઈમાં પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટને લઈને વિવાદ ઊભો થયો છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવી તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. MNSનો આક્ષેપ છે કે મહાલક્ષ્મી રેસકોર્સ અને NSCI ડોમ જેવા સ્થળોએ યોજાતા મોટા સંગીત કાર્યક્રમોમાં ડ્રગ્સનું વેચાણ અને સેવન થતું હોવાની ફરિયાદો સામે આવી છે.
આ મામલે પોલીસને આવેદનપત્ર આપવાની સાથે પાર્ટીએ કોન્સર્ટ રદ નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મહાલક્ષ્મી રેસકોર્સ અને NSCI ડોમ ખાતે યોજાનારા સંગીત કાર્યક્રમો સામે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે આવા કાર્યક્રમોમાં નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ અને સેવન થતું હોવાની ગંભીર ફરિયાદો મળી રહી છે.
MNS એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો દિલજીત દોસાંજનો કોન્સર્ટ રદ કરવામાં નહીં આવે તો પાર્ટી રસ્તા રોકો આંદોલન કરશે. આ ચેતવણીને પગલે મુંબઈમાં કાર્યક્રમ પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે.
