પુરૂષની અંદરનો અજાણ્યો સંઘર્ષ

સમયની સાથે સમાજની વિચારધારા બદલાઈ રહી છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, પરિવારોને સંભાળી રહી છે અને પોતાનાં સપનાને નવી…

સમયની સાથે સમાજની વિચારધારા બદલાઈ રહી છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, પરિવારોને સંભાળી રહી છે અને પોતાનાં સપનાને નવી ઊંચાઈ આપી રહી છે. આ બધા બદલાવની વચ્ચે પુરૂૂષની ભૂમિકા પણ બદલાઈ રહી છે હવે તે માત્ર જવાબદારી ઉઠાવનાર વ્યક્તિ નહીં, પણ મહિલાનાં સપનામાં સાથી બનનાર અને પોતાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ પણ છે. પુરુષ અને સ્ત્રી બંને એકબીજાનાં પૂરક બની રહ્યા છે.

ઉપરાંત તાલ સાથે તાલ મિલાવીને દરેક કામ સાથે કરી રહ્યા છે.
પરંપરાગત રીતે આપણે દીકરીઓને મજબૂત બનવાનું શીખવીએ છીએ અને દીકરાઓને જવાબદારી નિભાવવાનું. દીકરી રડે તો સાંત્વના આપીએ છીએ અને દીકરો રડે ત્યારે તેમને લગભગ ઘરોમાં કહેવાતું જ હશે કે, “તું છોકરો છે તો મજબૂત બન, છોકરીની જેમ શું રડે છે?” આ એક નાનનકડું વાક્ય દીકરાના મનમાં એવી માન્યતા ઊભી કરે છે કે, “પુરુષોએ પોતાની લાગણી વ્યક્ત કરવી ના જોઈએ. દીકરાઓએ સમાજ કે ઘરની સામે મજબૂત અને લાગણી છૂપાવીને જ ફરવાનું હોય છે.” દીકરાને દર્દ થવું જ ના જોઈએ. પરિણામે એક જવાબદાર પુરુષ તરીકે દરેક મુસીબતોનો ટોપલો માથે ઉઠાવી પરિવારને ખુશ કરવાની જહેમત ઉઠાવતો જ રહે છે.

દરેક પુરુષ બહારથી મજબૂત દેખાય એટલે અંદરથી પણ મજબૂત જ હોય એવું નથી હોતું. ક્યારેક તેને પણ કોઈની સાથે બેસીને મનની વાતો કરવી હોય છે. ક્યારેક તેને પણ નિષ્ફ્ળતાનો ડર લાગે છે. ક્યારેક તેને પણ પોતાનાં ભવિષ્યની ચિંતા સતાવે છે. આવા સમયે તેને સલાહ કરતાં પહેલાં સાંભળનાર વ્યક્તિની જરૂૂર હોય છે. દર વર્ષે International men’s day” 19 નવેમ્બરનાં દિવસે ઉજવાય છે. ખરાં અર્થમાં એક સ્ત્રી પુરુષને અને એક પુરુષ સ્ત્રીને જયારે પૂરી લાગણીથી સમજી શકે ત્યારે આ ઊજવણી સાર્થક થઈ કહેવાય. લાગણીઓ સમજનાર પણ જો ઘરના જ સભ્યો હોય તો ક્યારેય કોઈ પુરુષને આત્મહત્યા કરવી જ ના પડે, પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે લગભગ પુરુષો પોતાનાં દુ:ખ દર્દ ઘર કરતાં બહાર મિત્રોને શેર કરવાનું વધુ પસંદ કરે છે. કારણ કે પહેલેથી એવું જ શીખવાડયું હોય છે કે બહારની તકલીફો ઘરે આવવી જ ના જોઈએ.

આજે દરેક ઘરોમાં દીકરા, દીકરી બંનેનો ઉછેર સરખો જરૂૂર થઈ રહ્યો છે. છતાં જે સમજણ, જવાબદારી, રીતભાત કે દયાભાવના બંનેના ભાગે સરખી આવતી નથી. દીકરાના ભાગે જવાબદારી અઢળક અને લાગણીઓને દબાવવાનું જ શીખવાય છે. જયારે દીકરીઓનાં ભાગે આજે પણ જવાબદારી મરજિયાત અને લાગણીઓને વહેતા પ્રવાહની જેમ વહેતી રાખવાનું શીખવાય છે. આવા છુપા ભેદભાવ જે નરી આંખે પણ ના જોઈ શકાય એવા ભેદભાવો પરથી પડદો હટાવી બંનેને સરખી રીતે ઉછેરવા અત્યંત જરૂૂરી છે. સુખ, દુ:ખ દર્દ, ખુશી, લાગણી, ભાવના કે મોકળાશ એ દરેક વ્યક્તિનો અધિકાર છે, નહીં કે ફક્ત દીકરીઓનો.

દરેક મહિલા કે પુરુષે એક વાત અવશ્ય યાદ રાખવી જોઈએ કે સબંધમાં જીતવું મહત્વનું નથી, પરંતુ એકબીજાને સમજવું મહત્વનું છે. પુરુષને સમજવાથી મહિલાનું સન્માન ઓછું થતું નથી તેમજ મહિલાને સમાન અધિકાર આપવાથી પુરૂૂષનું મહત્વ ક્યારેય ઘટતું નથી. જયારે દરેક પુરુષ અને મહિલા એકબીજાને સ્પર્ધક નહીં, પણ સમાન સન્માનના હકદાર માનવી તરીકે જોશે ત્યારે દરેક વ્યક્તિ પોતાની ઓળખ સાથે ગૌરવથી જીવી શકશે.
અંતે, સ્કૂલથી જ બાળકોને સ્પર્ધામાં જીતવાનું જ નહીં, પણ એકબીજાની લાગણીઓને સમજવાનું પણ શીખવવું જોઈએ. દીકરો કે દીકરી બંનેને સમાન તક મળવી જોઈએ. કાર્યસ્થળે પુરુષોના માનસિક સ્વાસ્થ્યને પણ મહત્વ મળવું જોઈએ. સંબંધોમાં કોઈ એક જ વ્યક્તિને હંમેશા મજબૂત રહેવાની ફરજ ના હોવી જોઈએ. કોઈની લાગણીને તેની નબળાઈ ના માનતા તેમને પણ ઘરમાં ખુલ્લીને કહેવાની મોકળાશ મળવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *