રામલીલા મેદાનમાં વધુ એક આંદોલનનું એલાન: ઓબીસી વસતી ગણતરીમાં ડ્રોપ-ડાઉન સેતુની માંગ

દેશભરના અન્ય પછાત વર્ગ (OBC) સંગઠનો અને સામાજિક જૂથોએ જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત કરી છે. ’ઓલ ઈન્ડિયા કાસ્ટ…

દેશભરના અન્ય પછાત વર્ગ (OBC) સંગઠનો અને સામાજિક જૂથોએ જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત કરી છે. ’ઓલ ઈન્ડિયા કાસ્ટ સેન્સસ કોઓર્ડિનેશન કમિટી’ દ્વારા આગામી 28 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન બોલાવવામાં આવ્યું છે. આ અગાઉ 1 નવેમ્બરના રોજ પણ કોંગ્રેસના નેતૃત્વમાં ’ઈન્ડિયા’ ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે આ જ મેદાન પર મોટું પ્રદર્શન કર્યું હતું.

વિવિધ OBC સંગઠનો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી કે 2027ની વસ્તી ગણતરીના તબક્કામાં ડ્રોપડાઉન મેનૂ સામેલ કરવામાં આવે. સંગઠનોના મતે, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), OBC અને સામાન્ય વર્ગ સહિતની તમામ જાતિઓને અલગ-અલગ વિશિષ્ટ કોડ આપવા જોઈએ. આ વ્યવસ્થાથી જાતિઓની ઓળખ અને ગણતરીમાં સ્પષ્ટતા આવશે અને સામાજિક ન્યાય માટે સચોટ આંકડા ઉપલબ્ધ થશે.

2027ની વસ્તી ગણતરીની પ્રશ્નાવલીમાં કેન્દ્ર સરકારે SC અને ST સિવાયના બાકીના તમામ વર્ગો માટે જાતિની માહિતી ભરવા માટે ’ખુલ્લું કોલમ’ રાખવાનો નિર્ણય લીધો છે. સંગઠનોએ 2011ની સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી (SECC) નો દાખલો આપતા જણાવ્યું કે, તે સમયે ખુલ્લા કોલમના કારણે જાતિઓના 46 લાખથી વધુ નામો સામે આવ્યા હતા અને આંકડાકીય ગરબડના કારણે તેનો રિપોર્ટ રદ કરવો પડ્યો હતો. તેથી ભૂલો અને પુનરાવર્તન ટાળવા ડ્રોપડાઉન વિકલ્પ અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *