આગનું કારણ અકળ, જાનહાનિ નહીં
સોમવારે રાત્રે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલી HPCL ઓઈલ રિફાઈનરીમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ થઈ નથી.
વિશાખાપટ્ટનમ પોલીસ કમિશનર શંખબ્રત બાગચીએ જણાવ્યું હતું કે આગ HPCLના પરિસરમાં લાગી હતી અને તેમાં કોઈનું મૃત્યુ થયું નથી. ઘટનાસ્થળના વીડિયોમાં ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે. આગની જ્વાળાઓથી રાત્રિનું આકાશ ઝળહળી ઉઠ્યું હતું, જે ઘણા દૂરથી પણ જોઈ શકાતું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઓઈલ માર્કેટિંગ કંપનીએ હજુ સુધી આ ઘટના પાછળના કારણોની પુષ્ટિ કરી નથી. વિશાખાપટ્ટનમમાં HPCLના પિચ પ્લાન્ટમાં લાગેલી આગ અને ધુમાડા અંગે માલકાપુરમ સર્કલ ઈન્સ્પેક્ટર (CI) C. નરસિંહ રાવે જણાવ્યું કે, હવે આગ કાબૂમાં આવી ગઈ છે.
