દિવાળીના તહેવાર પહેલાં ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે જ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ટ્રેડ થતા રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આજે બજારની શરૂઆતમાં જ સેન્સેક્સમાં આશરે 907 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 239 પોઈન્ટની મજબૂતી જોવા મળી હતી. આંકડાઓ પર નજર કરીએ તો સેન્સેક્સ અગાઉના બંધની સરખામણીએ 75,178.24ના સ્તરે ખુલ્યો હતો અને વધીને 75,366.06ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી અગાઉના બંધ 23,053.10ની સામે 23,222.30ના સ્તરે ખુલ્યો હતો.
દિવાળીના તહેવાર પહેલાં શેરબજારમાં આવેલી આ તેજીથી રોકાણકારોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે. જોકે, બજારની આગળની ચાલ પર રોકાણકારોની નજર રહેશે.
સોમવારની આ તેજીમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મહત્વની ભૂમિકા ભજવી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સે અપેક્ષા કરતાં પણ શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીના ત્રિમાસિક ચોખ્ખા નફામાં 40.6 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે.કંપનીના એનર્જી બિઝનેસની સાથે ડિજિટલ સર્વિસ આપતી જિયો પ્લેટફોર્મ્સના શાનદાર પ્રદર્શનને કારણે નફામાં આ વૃદ્ધિ જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે જિયો પ્લેટફોર્મ્સે ગયા અઠવાડિયે જ શેરબજારમાં શાનદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ જિયો દેશની બીજી સૌથી મોટી કંપની બની હતી. જિયો પ્લેટફોર્મ્સના ત્રિમાસિક ચોખ્ખા નફામાં પણ 13.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.આ શાનદાર પરિણામોની અસર રિલાયન્સના શેર પર પણ જોવા મળી હતી. સેન્સેક્સમાં રિલાયન્સનો શેર સૌથી વધુ 4.59 ટકા વધીને 1,217 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. આમ, રિલાયન્સના મજબૂત પરિણામોએ શેરબજારની તેજીને વધુ વેગ આપ્યો હતો.
રિલાયન્સ ઉપરાંત, અન્ય મુખ્ય શેરોમાં પણ નોંધપાત્ર હિલચાલ જોવા મળી. ટાટા સ્ટીલ અને એનટીપીસી (NTPC)ના શેરોમાં ૩%થી વધુનો વધારો નોંધાયો હતો. જોકે, બજારમાં જોવા મળેલી આ મજબૂત તેજી વચ્ચે, કેટલાક મુખ્ય શેરોએ રોકાણકારોને નિરાશ કર્યા હતા; સન ફાર્મા, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રાના શેરોમાં શરૂઆતી કારોબાર દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો.
