ગૌરી લંકેશની હત્યાએ તેમને ઝંઝોળી નાખ્યા પત્ની પોની વર્માનું દર્દ છલકાયું
સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર હંમેશાં નિડરતાથી પોતાની રજૂઆત કરવા માટે જાણીતા દક્ષિણ ભારતીય અને બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ઘણીવાર પોતાની સ્પષ્ટવક્તા શૈલીને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમની પત્ની અને કોરિયોગ્રાફર પોની વર્માએ એક મુલાકાત દરમિયાન પ્રકાશ રાજના જીવનના એક એવા તબક્કા વિશે વાત કરી, જેણે તેને અંદરથી સંપૂર્ણપણે બદલી નાખ્યા હતા. સમાજસેવક અને નિડર પત્રકાર ગૌરી લંકેશ અને પ્રકાશ રાજ વચ્ચે 35 વર્ષથી પણ વધુ જૂની ગાઢ મિત્રતા હતી. વર્ષ 2017માં બેંગલુરુ સ્થિત તેમના ઘરની બહાર જ અજાણ્યા હુમલાખોરોએ ગૌરી લંકેશની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
પોની વર્માએ જણાવ્યું કે, ’આ દુ:ખદ સમાચાર મળતા જ પ્રકાશ અંદરથી સાવ તૂટી ગયા હતા. જોકે, આ ઘટનાએ તેમને ડરાવવાના બદલે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે વધુ મજબૂત બનાવ્યા. તેમણે નક્કી કર્યું કે તેઓ મૌન નહીં રહે અને અસત્ય સામે બોલવાનું ચાલુ રાખશે.
પોની વર્માએ ખુલાસો કર્યો કે, શરૂૂઆતમાં હું પ્રકાશની સુરક્ષાને લઈને ખૂબ ડરતી હતી, પરંતુ પ્રકાશે ક્યારેય ડરને પોતાના પર હાવી થવા દીધો નહીં. પોતાના રાજકીય અને સામાજિક વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરવાને કારણે પ્રકાશને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. તેમને કેટલીક ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો પણ તેમના હાથમાંથી જતી રહી હતી. ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો તેમનાથી નારાજ પણ થયા હતા. જ્યાં મોટા ભાગના કલાકારો સુરક્ષિત રહીને માત્ર કામ અને પૈસા કમાવા પર ધ્યાન આપે છે, ત્યાં પ્રકાશે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો. તેમનું સ્પષ્ટ માનવું હતું કે જે ખોટું થઈ રહ્યું છે તેની સામે વિરોધ નોંધાવવો જ જોઈએ.
