હૃદયરોગનો હુમલો: હોમગાર્ડ જવાન સહિત ચારના શ્ર્વાસ થંભી ગયા

રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં ચોટીલામાં હોમગાર્ડ જવાન, રાજકોટમાં શાકભાજીના ધંધાર્થી અને રિક્ષા ચાલકનું હાર્ટએટેકથી…

રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં ચોટીલામાં હોમગાર્ડ જવાન, રાજકોટમાં શાકભાજીના ધંધાર્થી અને રિક્ષા ચાલકનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં આવેલા જ્યોતી નગરમાં રહેતા શૈલેષભાઇ જાદવભાઇ મકવાણા (ઉ.વ.53) રાત્રીના સમયે પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યા ફરજ પરના તબીબે આધેડનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક શૈલેષભાઇ મકવાણા ચોટીલા હોમગાર્ડમાં નોકરી કરતા હતા અને કેબલની દુકાન ધરાવતા હતા. શૈલેષભાઇ મકવાણાને સંતાનમાં બે પુત્રી છે.

બીજા બનાવમાં રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા મચ્છુનગર કવાર્ટરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા સોમાભાઇ અમથુભાઇ વઢીયારા નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનુ મોત નીપજ્યુ હતું. મૃતક યુવાન ચાર ભાઇ બે બહેનમા વચેટ હતો.

ત્રીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જીવણભાઇ ધેલાભાઇ ગોહીલ નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે સુતા હતા. તે દરમિયાન નિદ્રાંધીન પ્રૌઢને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ ઉપરાંત ચોથા બનાવમાં જામનગર રોડ પર રાજીવનગરમાં રહેતા સોયબ અલ્લારખાભાઇ (ઉ.વ.39) પોતાના ઘરે હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *