વાયુસેનાનાં શૌર્યથી યુવાનોને નવી ઉડાન

જ્યારે આખો દેશ રાત્રે નિરાંતે ઊંઘે છે, ત્યારે સરહદોનાં આકાશમાં કોઈ જાગતું હોય છે. જ્યારે આપણે ખુલ્લા આકાશ તરફ જોઈને સ્વતંત્રતાનો શ્વાસ લઈએ છીએ, ત્યારે…

જ્યારે આખો દેશ રાત્રે નિરાંતે ઊંઘે છે, ત્યારે સરહદોનાં આકાશમાં કોઈ જાગતું હોય છે. જ્યારે આપણે ખુલ્લા આકાશ તરફ જોઈને સ્વતંત્રતાનો શ્વાસ લઈએ છીએ, ત્યારે એ આકાશની સુરક્ષા માટે કોઈ પોતાનાં જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. આકાશમાં ગર્જના કરતાં દરેક યુદ્ધવિમાન માત્ર શક્તિનું પ્રતીક નહીં, પણ તેની પાછળ દેશ માટે જીવ આપી દેવાની તૈયારી ધરાવતો એક વીર સૈનિક હોય છે.

આકાશમાં હજારો ફૂટની ઉંચાઈએ પહોંચવા માટે પાંખો કરતાં સૌથી વધુ જરૂૂરી છે, હિંમત, શિસ્ત અને સતત પ્રયત્ન. ભારતીય વાયુસેના દિવસની ઊજવણી 1932થી દર વર્ષે 8 ઓક્ટોબરે થાય છે. દેશની આકાશી સરહદોની રક્ષા કરતાં હજારો જવાનોની હિંમત, શિસ્ત, ત્યાગ અને દેશભક્તિને નમન કરવાનો અવસર છે. જમીનની સરહદ હોય કે જળ સરહદ કે પછી આકાશની સરહદ, દરેક સૈનિકોનું મહત્વ સરખું જ છે.

દેશની સરહદો ઘણી લાંબી છે અને પાડોશી દેશો સાથેની ભૌગોલિક પરિસ્થિતિ પણ ખૂબ પડકારજનક છે. આવી પરિસ્થિતિમાં આકાશમાંથી આવનારા કોઈપણ ખતરા સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂૂરી બને છે. આવી કપરી સ્થિતિમાં વાયુસેનાની ભૂમિકા નિર્ણાયક બની જાય છે. આધુનિક ફાઈટર વિમાનો, હેલિકોપ્ટર, રડાર સિસ્ટમ, પરિવહન વાહનો અને અત્યાધુનિક ટેક્નોલોજીનાં સહારે દેશની હવાઈ સુરક્ષા મજબૂત બનાવે છે.
વાયુસેનાના જવાનોનું જીવન બહારથી જેટલું રોમાંચક લાગે છે, વાસ્તવમાં એટલું જ પડકારજનક પણ છે. એક પાઈલટની હજારો કલાકની તાલીમ હોય છે. થોડી જ સેક્ધડમાં નિર્ણય લેવાની ક્ષમતા, અત્યંત ઝડપે ઉડતા વિમાનને નિયંત્રિત કરવાની કુશળતા અને જીવના જોખમ વચ્ચે પણ શાંતિ જાળવવાની, આ બધું એક સૈનિકની તાલીમનો ભાગ છે. દેશ માટે જીવન સમર્પિત કરનાર આ જવાનોને માત્ર તાળીઓથી નહીં, પરંતુ તેમની ફરજ અને ત્યાગને સમજવાથી સાચું સન્માન આપી શકાય.

એક ક્લિકમાં ઉપલબ્ધ થનાર માહિતી સાંભળવામાં સહેલી લાગે. સફળતા પાછળની વર્ષોની કેવી અને કેટલી મહેનત છે એ જોવાની ઘણી વખત આપણી ધીરજ ખૂટતી જાય છે. આપણે તો ઝડપી પરિણામમાં માનનારા થવા લાગ્યાં છીએ. એટલે જ આપણે સફળતા જોઈ લઈએ અને આપણી માનસિકતા પ્રમાણે માપદંડ પણ કાઢી લઈએ. વાસ્તવમાં એક પાઈલટને આકાશમાં વિમાન ઉડાડવા માટે માત્ર સાહસ જ નહીં, પણ લાંબી અને કઠિન તાલીમ, શારીરિક તંદુરસ્તી, માનસિક મજબૂતી, નિયમિતતા અને અસંખ્ય કલાકોની મહેનત જરૂૂરી છે. એટલે જ વાયુસેનાના જવાનો આપણને જણાવે છે કે, “મોટા સપના જોવામાં કોઈ ખર્ચ નથી, પરંતુ એ સપના પૂરાં કરવાં માટે પોતાની આદતો બદલવી પડે છે.”

આજે ઘણાં યુવાનો નાની નિષ્ફળતાથી નિરાશ થઈને આત્મહત્યા વ્હોરી લે છે. નોકરી ના મળે તો પોતાનામાં કોઈ ક્ષમતા નથી એવું માની બેસે છે. આજકાલ તો કોઈ ત્વરિત બંધાયેલ સબંધ પણ જો તૂટી જાય તો જીવન અટકી જાય છે. દેશની રક્ષા કરનાર જવાનો આપણને એ જ શીખવે છે કે, મુશ્કેલી જીવનનો અંત નથી, પોતાની શક્તિ ઓળખવાની તક છે. જીવનમાં ડર તો ડગલે ને પગલે આવશે, છતાં આગળ વધતા જ રહેવું જોઈએ. બહાદુર વ્યક્તિને પણ ડર લાગતો જ હોય છે. છતાં હિંમતવાન વ્યક્તિ આ ડરને પોતાનાં મન પર હાવી થવા દેતી નથી અને સામનો કરવાં લાગે છે.

આજે દેશમાં જે તિરંગો લહેરાય છે, તેની પાછળ અનેક જવાનોની મહેનત અને ત્યાગ છે. તેથી જ ભારતીય વાયુસેના દિવસ માત્ર જવાનોને યાદ કરવાનો દિવસ ન રહે, પરંતુ દરેક યુવાન માટે પોતાની ક્ષમતા ઓળખવાનો દિવસ પણ બને. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, છતાં ફરજથી હટવાનું નથી. સપનું ગમે તેટલું મોટું હોય, મહેનતથી ડરવાનું નથી. તેમજ સફળતા ગમે તેટલી દૂર કેમ નાં હોય, ધીરજ ગુમાવવાની નથી.
અંતે, ભારતીય વાયુસેના દિવસ પર એક જ સંકલ્પ કરીએ, “ડર સામે નહીં ઝૂકીએ, નિષ્ફ્ળતા સામે નહીં અટકીએ અને સપનાઓને સાકાર કરવાની ક્ષમતા કેળવીએ.”
આકાશના વીર રક્ષકોને શત શત નમન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *