જામકંડોરણા તાલુકાના હરીયાસણ ગામના યુવક સાથે ધંધા અર્થે રૂૂ. 5 લાખ ઉછીના મેળવી, નાણાં પરત ન આપી બેંકના સેલ્ફ અને પેઢીના ચેકો આપી છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં સોડવદર અને ખજૂરડા ગામના બે શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, હરીયાસણ ગામે રહેતા અને મજૂરી કામ કરતા 26 વર્ષીય ભવદીપકુમાર બટુકભાઈ પરમારે રજનીકાંત સુરેશભાઈ સારીખડા (રહે. સોડવદર) અને હિતેશભાઈ ભરતભાઈ સોલંકી (રહે. ખજૂરડા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 12/11/2025ના રોજ સોડવદર ગામના રજનીકાંત સુરેશભાઈ સારીખડાએ તેમની પાસે આવી ધંધાના કામ માટે રૂૂ. 5 લાખ એક મહિના માટે ઉછીના માગ્યા હતા.
રજનીકાંતનો ભાઈ ફરિયાદનો મિત્ર હોવાથી અને ધીરધારની ખાતરી આપતા ભવદીપકુમારે નાણાં આપવા સંમતિ દર્શાવી હતી. ત્યારબાદ રજનીકાંતના કહેવાથી ભવદીપકુમારે પોતાના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂૂ. 5 લાખ તેના મિત્ર હિતેશભાઈ ભરતભાઈ સોલંકી (રહે. ખજૂરડા)ના બેંક ઓફ બરોડાના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.નાણાં લીધા બાદ હિતેશ સોલંકીએ રૂૂ. 300 ના સ્ટેમ્પ પર નોટરી કરાર કરી આપ્યો હતો અને બેંક ઓફ બરોડાનો રૂૂ. 4 લાખનો ચેક આપ્યો હતો તેમજ રૂૂ. 1 લાખ રોકડા આપવાનું કહ્યું હતું. પરંતુ એક મહિનો પૂર્ણ થયા બાદ રજનીકાંત પાસે ઉછીના નાણાંની માગણી કરતા તેણે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો.
ભવદીપકુમારે આપેલા રૂૂ. 4 લાખના ચેકને બેંકમાં જમા કરાવવા જતા બેંક અધિકારીઓએ જણાવ્યુ હતું કે, ચેક ’સેલ્ફ’ હોવાથી જમા થઈ શકે તેમ નથી, જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ભાસ થયો હતો.આ અગે પોલીસમાં અરજી કર્યા બાદ તા. 22/05/2026ના રોજ પોલીસ મથકે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાર થયો હતો, જેમાં રજનીકાંતે તેની એચ.ડી.એફ.સી. બેંકના પેઢીના નામના બે ચેકો આપ્યા હતા. પરંતુ રૂૂ. 1 લાખનો પ્રથમ ચેક બેંકમાં જમા કરાવતા તે ’બાઉન્સ’ થયો હતો. લીગલ નોટિસ આપવા છતાં કોઈ જવાબ ન મળતા અને પેઢીના નામના ખોટા ચેકો આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતા અંતે ભવદીપકુમારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
જામકંડોરણા પોલીસે ભવદીપકુમાર પરમારની ફરિયાદના આધારે રજનીકાંત સુરેશભાઈ સારીખડા (રહે. સોડવદર) અને હિતેશભાઈ ભરતભાઈ સોલંકી (રહે. ખજૂરડા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિશાલકુમાર પાંચાભાઇ હુણને સોંપી છે.
