5 દાયકાની સફર, 500 ફિલ્મો, દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાનનું નિધન

હિન્દી સિનેમાના પડદા પર જ્યારે મોટા-મોટા સુપરસ્ટાર્સ હીરો બનીને દર્શકોની તાળીઓ મેળવતા હતા, ત્યારે કેમેરાના ફ્રેમના એક ખૂણામાં ઊભેલો એક ચહેરો માત્ર બે લાઈન બોલીને…

હિન્દી સિનેમાના પડદા પર જ્યારે મોટા-મોટા સુપરસ્ટાર્સ હીરો બનીને દર્શકોની તાળીઓ મેળવતા હતા, ત્યારે કેમેરાના ફ્રેમના એક ખૂણામાં ઊભેલો એક ચહેરો માત્ર બે લાઈન બોલીને આખી મહેફિલ લૂંટી લેતો હતો. એ ચહેરો હતો દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાનનો. 500 થી વધુ ફિલ્મોમાં ક્યારેક ચાલાક મુનશી, ક્યારેક મજનૂ ભાઈનો ભોળો સાથીદાર તો ક્યારેક લુચ્ચો દલાલ બનીને પાંચ દાયકા સુધી દર્શકોના ચહેરા પર સ્મિત રેલાવનારા આ સિદ્ધહસ્ત કલાકારે હવે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે.

મુશ્તાક ખાન એવા કલાકારોમાં સામેલ હતા, જેમને ફિલ્મમાં માત્ર 5 મિનિટનો સીન મળે તો પણ થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી દર્શકોના મગજમાં એ જ પાત્ર રમતું રહેતું. વર્ષ 2007ની સુપરહિટ કોમેડી ફિલ્મ ’વેલકમ’નો એ સીન કોઈ ક્યારેય ભૂલી શકે નહીં, જ્યારે અનિલ કપૂર (મજનૂ ભાઈ) પેઇન્ટિંગ બનાવી રહ્યા હોય છે અને અક્ષયકુમારની સામે તેમનો ગુર્ગો બલ્લુ એટલે કે મુશ્તાક ખાન આવે છે. તેમનું ગંભીરતાથી બોલવું કે, “મેરી એક ટાંગ નકલી હૈ, મૈં હોકી કા બહોત બડા ખિલાડી થા, એક દિન ઉદય ભાઈ કો મેરી કિસી બાત પર ગુસ્સા આ ગયા તો મેરી હી હોકી સ્ટિક સે મેરી ટાંગ તોડ દી” આ ડાયલોગ આજે પણ સોશિયલ મીડિયાની મીમ કલ્ચરનો એવો ભાગ છે જે દરેક પેઢીના મોંએ ચડેલો છે. જે નિર્દોષતા અને ગંભીરતા સાથે તેમણે એ પાત્ર ભજવ્યું હતું, તે જ તેમની સૌથી મોટી તાકાત હતી-કોઈપણ લાઉડ એક્ટિંગ વગર દર્શકોને ખડખડાટ હસાવી દેવા.

મધ્ય પ્રદેશના બાલાઘાટ સ્થિત નાના એવા કસ્બા બૈહરથી નીકળીને મુંબઈની માયાનગરી સુધી પહોંચવાનો માર્ગ મુશ્તાક ખાન માટે આસાન નહોતો. થિયેટરના મંચ પર ઘડાયેલા આ કલાકારને 1980ના દાયકામાં નાના-મોટા રોલ મળ્યા, પરંતુ 1990માં આવેલી મહેશ ભટ્ટની ક્લાસિક ફિલ્મ ’આશિકી’એ તેમનું ભાગ્ય બદલી નાખ્યું. ત્યારબાદ 90ના દાયકામાં આમિર ખાનની ’હમ હૈં રાહી પ્યાર કે’, ગોવિંદાની ’રાજા બાબુ’, સલમાન ખાન સાથે ’પ્યાર કિયા તો ડરના ક્યા’ કે પછી સની દેઓલની ’મેજર સાબ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં મુશ્તાક ખાન દરેક મોટા ડિરેક્ટરની વાર્તાનું અભિન્ન અંગ બની ગયા હતા. તાજેતરના સમયમાં પણ તેમણે બ્લોકબસ્ટર ફિલ્મ ’સ્ત્રી 2’ માં પોતાની દમદાર હાજરી નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *