ફિટનેસ દેખાવ માટે નહીં સ્વસ્થ જીવન માટે છે

એક સમય હતો જયારે શરીરને ફિટ કે તંદુરસ્ત રાખવા માટે અલગથી સમય કાઢવો પડતો નહોતો. રોજિંદુ જીવન જ કસરત બની જતું હતું. આજે સમય બદલાયો,…

એક સમય હતો જયારે શરીરને ફિટ કે તંદુરસ્ત રાખવા માટે અલગથી સમય કાઢવો પડતો નહોતો. રોજિંદુ જીવન જ કસરત બની જતું હતું. આજે સમય બદલાયો, માણસોનું જીવન બદલાયું, અભિગમ બદલાયો, વિચારો બદલાયા તેમજ જૂની રૂૂઢિ કે રીતરિવાજ પણ બદલાયા. આજે માણસ સ્વાસ્થ્ય કરતાં સ્વાદને વધુ મહત્વ આપે છે. તેમજ કલાકો સુધી ખુરશી પર બેસવું, લેપટોપ કે મોબાઈલ સામે સતત બેસવું, વાહન વગર થોડાં ડગલાં પણ ના ચાલવું વગેરે આદતો આપણી જીવનશૈલી બની ગઈ છે. ઊંઘનો અભાવ અને કસરત માટે ’સમય નથી’ કહેવું સામાન્ય બની ગયું છે. શરીર સાથે આખી જિંદગી વિતાવવાની છે છતાં એના માટે સમય નથી. તો આ દોડ શાના માટે? આ હરીફાઈ શાના માટે?

આજે ફિટનેસને માત્ર સિક્સ પેક, જિમ અને દેખાવ સાથે જોડવામાં આવે છે, જયારે હકીકત એ છે કે ફિટનેસ સારા દેખાવ માટે નહીં, પણ સારુ અને તંદુરસ્ત જીવન જીવવા માટે છે. આજે માણસ ફક્ત શારીરિક ફિટ નહીં, પણ માનસિક ફિટ પણ હોવો એટલો જ જરૂૂરી છે. ભાગદોડ ભરી જિંદગીમાં અનેક અણધાર્યા પડકારો ઝીલીને માણસ અંદરથી ખોખલો બનતો જાય છે. પરિણામે આજે ફિટનેસની સાથે પ્રાણાયામ, યોગ કે ધ્યાન જેવા પ્રયોગો પણ અપનાવવા જ પડશે. માત્ર થોડો સમય ચાલવાથી કસરત સાથે મન પણ પ્રફુલ્લિત થાય છે. સતત મોબાઈલ સાથે સમય વિતાવવા કરતાં થોડો સમય ખુલ્લી હવામાં કાઢવાથી માનસિક સંતુલન જળવાઈ રહે છે. થોડાં કલાકોના કામના અંતે થોડી જ મિનિટ માટે ઊંડા શ્વાસ લઈને મનને ફરી તાજગી અપાવી શકાય છે.

આજે ખાસ સોશિયલ મીડિયા પર આવતી અનેક પ્રકારની ફિટનેસની તસવીરો, જાહેરાતો અને વીડિયો આવે છે. સોશિયલ મીડિયા પર દેખાતું દરેક વ્યક્તિનું શરીર હંમેશા સ્વાભાવિક સ્થિતિનું સાચું પ્રતિબિંબ હોય એ જરૂૂરી નથી. ફિટનેસનો હેતુ નકલ કરવો નહીં, પણ પોતાનાં જ શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવાનો હોવો જોઈએ. માત્ર કસરત કરવાથી પણ સ્વસ્થ નહીં રહી શકાય. કારણ કે સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વનો ભાગ ભજવનાર છે ઘરનું સંતુલિત ભોજન. તેમજ શાકભાજી, ફળો, દાળ અનાજ, યોગ્ય માત્રામાં પ્રોટીન અને પૂરતું પાણી. આ બધું અતિ મહત્વનું છે. સદંતર ખોરાક બંધ કરીને ફિટનેસ જાળવવાથી તંદુરસ્તી પર ગમે ત્યારે હુમલો આવી શકે છે.

આજે યુવાનોમાં તો બેઠાંડુ જીવન વધી જ રહ્યું છે. સાથે સાથે બાળકોમાં પણ આળસુ જીવન વધી રહ્યું છે. કારણ કે શેરીની રમતો નહિવત, ખુલ્લી જગ્યાઓનો અભાવ, સ્કૂલોમાં ઘટતી જતી રમતગમત પ્રક્રિયા તેમજ ઘરમાં એક બાળક ઉપર એક કે બે વ્યક્તિની હાજરી જેવી અનેક ખરાબ અને ખોટી આદતોનાં લીધે બાળક પણ શારીરિક ક્ષમતા ગુમાવતું જાય છે. આજે હરીફાઈના યુગમાં સ્કૂલોમાં પણ રમતગમત બાજુ પર મૂકીને પુસ્તકીયું જ્ઞાન જ પીરસાય છે. પરિણામે નાની ઉંમરે જ શરીરમાં થાક, આળસ અને મેદસ્વીતાના કારણે રોગો પણ વહેલા આવવા લાગ્યાં છે. સફળતા જો તન અને મનથી મળે તો જ તેનો આનંદ માણી શકાય છે. રાકેશ ઝૂનઝૂનવાલા આપણી સામે અસરકારક ઉદાહરણ રૂૂપે છે જ.

“પૈસાથી તંદુરસ્તી ખરીદી નહીં શકાતી, પણ હા તંદુરસ્તી હશે તો પૈસો પ્રાપ્ત જરૂૂર કરી શકાશે.”
અંતે, જીવનની વાસ્તવિકતા તો એ જ છે કે, ફિટનેસ શરીર બતાવવાં માટે નહીં, જીવન જીવવાનીએક મજબૂત તૈયારી છે. આજે શરીર માટે કાઢેલો થોડો સમય આવતીકાલે આપણને સ્વસ્થ જીવન આપશે. તેથી જ ફિટનેસને એક ટ્રેન્ડ તરીકે નહીં, પણ રોજિંદા જીવનની જરૂૂરી અને ફરજિયાત આદત બનાવવી જોશે. કારણ કે સ્વાસ્થ્ય હશે તો જ સપનાઓ હશે અને સપનાઓ હશે તો જ તેને સાકાર કરવાની દોડ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *