નવી વર્ષમાં પહેલીવાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI) એ ભારતીય બેંકિંગ સિસ્ટમમાં વધારાની તરલતાને નિયંત્રિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ગુરુવારે, મધ્યસ્થ બેંકે ’ઓપન માર્કેટ ઓપરેશન્સ’ (OMO) હેઠળ સરકારી સિક્યોરિટીઝ વેચવાની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો. આ પ્રક્રિયા દરમિયાન, RBI એ રોકાણકારો અને બેંકો પાસેથી ₹50,000 કરોડની બોલીઓ સ્વીકારી, જેનાથી આ મોટી રકમ બેંકિંગ સિસ્ટમમાંથી સીધી RBI પાસે આવી ગઈ.
RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ હરાજીમાં વિવિધ પરિપક્વતા (મેચ્યોરિટી) સમયગાળા ધરાવતા સરકારી બોન્ડ્સ વેચવામાં આવ્યા હતા. સૌથી વધુ બોલી 2032ના બોન્ડ (8.28% કૂપન રેટ) માટે ₹18,840 કરોડની સ્વીકારવામાં આવી હતી, જેનો કટ-ઓફ યીલ્ડ 7.0090% હતો. આ ઉપરાંત, ₹12,645 કરોડ (2030 મેચ્યોરિટી, 5.77% કૂપન) અને ₹1,005 કરોડ (2030 મેચ્યોરિટી, 7.61% કૂપન) મૂલ્યના બોન્ડ્સ વેચાયા હતા. સાથે જ, ₹7,005 કરોડ (2029 મેચ્યોરિટી, 7.59% કૂપન), ₹7,255 કરોડ (2029 મેચ્યોરિટી, 6.79% કૂપન) અને ₹3,250 કરોડ (2031 મેચ્યોરિટી, 6.68% કૂપન) મૂલ્યના બોન્ડ્સ માટે પણ બોલીઓ સ્વીકારવામાં આવી હતી.
16 સપ્ટેમ્બર સુધીમાં, દેશની બેંકિંગ સિસ્ટમમાં અંદાજે ₹7.38 લાખ કરોડની વધારાની તરલતા (સરપ્લસ લિક્વિડિટી) જમા થઈ ગઈ હતી. બેંકિંગ સિસ્ટમમાં ભંડોળના આ નોંધપાત્ર વધારા પાછળ મુખ્યત્વે બે પરિબળો જવાબદાર હતાં:
વિદેશી ચલણની થાપણોમાં જંગી વધારો થયો હતો; મોટી માત્રામાં રૂૂપિયા મેળવવા માટે બેંકોએ RBI સાથે આ થાપણોની અદલાબદલી (સ્વેપ) કરી હતી. બીજુ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનની મહિનાના અંતે થતી ચૂકવણીને કારણે પણ સિસ્ટમમાં નોંધપાત્ર તરલતા (લિક્વિડિટી) આવી હતી. વધારાની તરલતા બજારમાં ફુગાવાનું જોખમ વધારે છે; આને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંકે OMO (ઓપન માર્કેટ ઓપરેશન) હેઠળ વેચાણનો સહારો લેવો પડ્યો હતો. માનવામાં આવે છે કે આ પગલાથી ઇંધણ દરમાં વધારો પાછો ઠેલી શકાશે.
બેંકિંગ તરલતાને સંતુલિત કરવા માટે, રિઝર્વ બેંકે કુલ ₹1 લાખ કરોડના OMO વેચાણની જાહેરાત કરી છે, જે ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ₹50,000 કરોડ એકત્ર કર્યા પછી, બાકીના બે તબક્કા – જેમાંથી દરેક ₹25,000 કરોડના મૂલ્યના છે – અનુક્રમે 21 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. આ પગલાથી આગામી દિવસોમાં બેંકિંગ સિસ્ટમમાં તરલતાનું સ્તર સામાન્ય થવાની અપેક્ષા છે.
રૂપિયો ગગડતો અટકાવવા બેંકો દ્વારા ડોલરનું વેચાણ
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યા બાદ રૂૂપિયો એક મહિનાથી વધુ સમયમાં પ્રથમ વખત ડોલર સામે 96ના સ્તરથી નીચે સરકી ગયો હતો, જેના પગલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે વિદેશી મુદ્રા બજારમાં હસ્તક્ષેપ કર્યો હોવાની શક્યતા છે, તેમ ચાર ટ્રેડર્સે જણાવ્યું હતું. ટ્રેડર્સે જણાવ્યું હતું કે સરકારી માલિકીની બેંકો ડોલરનું વેચાણ કરતી જોવા મળી હતી, જે સંભવત: RBI વતી કરવામાં આવ્યું હતું. તેલના ઊંચા ભાવથી લઈને વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારા જેવા અનેક પડકારો હોવા છતાં, મધ્યસ્થ બેંકના સતત હસ્તક્ષેપે રૂૂપિયાને ટેકો પૂરો પાડ્યો છે. ટ્રેડર્સે જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંકે મધ્યમ ગાળાની મેચ્યોરિટી માટે ડોલર-રૂૂપિયાના ’સેલ/બાય’ (વેચાણ/ખરીદી) સ્વેપ વ્યવહારો પણ કર્યા હોવાની શક્યતા છે, જેથી બેંકિંગ સિસ્ટમમાંથી વધારાની રૂૂપિયાની તરલતા (લિક્વિડિટી) પાછી ખેંચી શકાય તેવા ફોરવર્ડ માર્કેટ હસ્તક્ષેપ ચાલુ રાખી શકાય.
