દેશભરમાં ચકચાર જગાવનારા, કુખ્યાત નિઠારી હત્યાકાંડ કેસના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં શંકાસ્પદ સંજોગોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. કોલી છેલ્લા કેટલાક દિવસોથી હરિદ્વારમાં ચા વેચવાનું કામ કરી રહ્યો હતો. તેનો મૃતદેહ ચાની દુકાનની અંદર દોરડા વડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. હરિદ્વારના ભુપતવાલા વિસ્તારમાં આવેલા એક મંદિરની સામે તે ફાંસીના ફંદા પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
એવું જાણવા મળ્યું છે કે સુરેન્દ્ર કોલી છેલ્લા કેટલાક મહિનાઓથી હરિદ્વારમાં રહેતો હતો. તે મૂળ અલમોડા જિલ્લાના ભિકિયાસૈન વિસ્તારના મંગરુખાલ ગામનો વતની હતો. પ્રાથમિક દૃષ્ટિએ સામે આવેલી વિગતો અનુસાર પોલીસ આત્મહત્યા પાછળ પારિવારિક ક્લેષ હોવાનું જણાવે છે. જો કે હાલ આ ઘટના પાછળનું વાસ્તવિક કારણો જાણવા માટે પોલીસે તપાસ અને પૂછપરછનો ધમધમાટ શરૂૂ કર્યો છે. સુરેન્દ્ર કોલી દેશભરમાં ચકચાર જગાવનારા નિઠારી કાંડનો મુખ્ય આરોપી હતી અને કોર્ટે તેને આ મામલે દોષિત પણ ઠેરવ્યો હતો.
જો કે 11 નવેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યો, જેને નિઠારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. નિઠારી હત્યા અને બળાત્કારનો કેસ 2006માં પ્રકાશમાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે શરૂૂઆતમાં આ મામલે સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સંભળાવી હતી; જોકે, 2015માં કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાખી હતી.
