અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર એક અત્યંત સંવેદનશીલ અને જોખમી ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ની સાંજે નિયમિત પેટ્રોલિંગ પર રહેલા ભારતીય નૌકાદળના અગ્રણી યુદ્ધજહાજ નજીક પાકિસ્તાની નૌકાદળનું એક જહાજ અત્યંત ઝડપે અને જોખમી રીતે આવી પહોંચ્યું હતું. પાકિસ્તાની જહાજના અનપ્રોફેશનલ અને અસુરક્ષિત સંચાલનને કારણે બંને યુદ્ધજહાજો વચ્ચે ટક્કર થઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ અથડામણમાં કોઈ મોટું નુકસાન થયું નથી. આ ગંભીર ઘટનાને પગલે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો છે.
અહેવાલ અનુસાર 15 સપ્ટેમ્બરની સાંજે ભારતીય નૌકાદળનું અગ્રણી યુદ્ધજહાજ ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત સર્વેલન્સ મિશન પર હતું. તે દરમિયાન પાકિસ્તાન નેવીનું એક જહાજ અત્યંત હાઇ-સ્પીડ સાથે ભારતીય જહાજ તરફ ધસી આવ્યું હતું. સમુદ્રી નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવેલા અસુરક્ષિત દાવપેચને પગલે બંને જહાજો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની હતી.
પાકિસ્તાની નૌકાદળની આ અસ્વીકાર્ય હરકત સામે ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાન હાઈકમિશનના પ્રભારીને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળના અસ્વીકાર્ય વર્તન સામે તેમની સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો.
