અમેરિકામાં વસતા ગુજરાતીઓ પોતાની અથાક મહેનત, કોઠાસૂઝ અને વેપાર-વાણિજ્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જોકે, કેટલીકવાર શોર્ટકટથી રાતોરાત કરોડપતિ બનવાની લાલચમાં કેટલાક લોકો ખોટા રસ્તે ચડી જતા હોય છે. આવો જ એક અત્યંત ચોંકાવનારો અને ગુજરાતી સમુદાય માટે શરમજનક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે.
અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ ગુજરાતના સુનીલકુમાર પટેલ (ઉ.વ.53) એક શખ્સે 9.36 મિલિયન ડોલર (ભારતીય ચલણ મુજબ અંદાજે 78 કરોડ રૂૂપિયા) નું વિશાળ અને ગેરકાયદેસર જુગારનું રેકેટ ચલાવ્યાનો ગંભીર ગુનો અમેરિકન ફેડરલ કોર્ટ સમક્ષ કબૂલી લીધો છે. આ શખ્સ કોઈ અંડરગ્રાઉન્ડ જગ્યાએ નહીં, પરંતુ ’એમ્યુઝમેન્ટ બિઝનેસ’ (મનોરંજનના સાધનોના વ્યવસાય) ની આડમાં આ આખું ગેમ્બલિંગ નેટવર્ક ઓપરેટ કરતો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અને અમેરિકન સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગુજરાતી શખ્સે અમેરિકન કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે એક અત્યંત ચાલાક કીમિયો અપનાવ્યો હતો.
તેણે કાયદેસરનો અને સાફસુથરો વ્યવસાય દેખાડવા માટે એક એમ્યુઝમેન્ટ બિઝનેસ શરૂૂ કર્યો હતો. બહારથી જોતા આ સ્થળ કોઈ સામાન્ય આર્કેડ ગેમ્સ કે મનોરંજન કેન્દ્ર જ લાગતું હતું, પરંતુ અંદરખાને આ તમામ મશીનોનો ઉપયોગ ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજી માટે કરવામાં આવતો હતો. ગ્રાહકો આ મશીનો પર જુગાર રમતા અને જીતેલી રકમ તેમને રોકડમાં અથવા અન્ય ગેરકાયદેસર (હવાલા પ્રકારના) માધ્યમોથી ચૂકવવામાં આવતી હતી. આ રીતે તેણે લાંબા સમય સુધી અમેરિકન પોલીસ અને તપાસ એજન્સીઓને અંધારામાં રાખી હતી.
જોકે, અમેરિકાની ફેડરલ અને સ્થાનિક તપાસ એજન્સીઓને (જેમ કે FBI અને IRS) લાંબા સમયથી આ એમ્યુઝમેન્ટ બિઝનેસમાં થતા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને મની લોન્ડરિંગ અંગે બાતમી મળી રહી હતી. મશીનોમાંથી થતી કાયદેસરની આવક અને બેંક ખાતાઓમાં જમા થતી મસમોટી રકમ વચ્ચેનો વિરોધાભાસ તપાસ એજન્સીઓની નજરે ચડ્યો હતો. તપાસ અધિકારીઓએ ગુપ્ત રીતે આ વ્યવસાય પર નજર રાખી, અંડરકવર એજન્ટ્સ મોકલીને જુગાર રમાતો હોવાના નક્કર પુરાવાઓ એકઠા કર્યા.
જ્યારે તમામ કડીઓ જોડાઈ ગઈ ત્યારે એકસાથે દરોડા પાડીને આ 78 કરોડ રૂૂપિયાના મસમોટા જુગારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.અમેરિકન કાયદા અનુસાર આવા નાણાકીય ગુનાઓ અને ગેરકાયદેસર જુગારના કેસોમાં 20 વર્ષ સુધીની લાંબી જેલની સજા અને કરોડો રૂૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવતો હોય છે. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે મેળવેલી તમામ સંપત્તિ અને મિલકતો પણ સરકાર દ્વારા જપ્ત (જયશુય) કરી લેવામાં આવે છે. અત્યારે કોર્ટ દ્વારા અંતિમ સજાનું એલાન કરવાનું બાકી છે, પરંતુ કાયદાકીય નિષ્ણાતોના મતે આ શખ્સની જેલની સજા પૂરી કર્યા બાદ તેને કાયમી ધોરણે ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતા છે. આ ઘટનાએ વિદેશમાં વસતા ભારતીયો માટે કાયદાનું પાલન કરવાની એક મોટી લાલબત્તી ધરી છે.
