અમે વંદે માતરમ્ના બે જ સ્તવન ગાઇશું: કોંગ્રેસની જાહેરાત

1937માં કારોબારીના ઠરાવનું અનુસરણ ચાલુ રહેશે: પક્ષની બેઠકમાં પેપરલીક, અયોધ્યા ચોરી મુદ્દે અભિયાન છેડવા નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બુધવારે યોજાયેલી બેઠકમાં પાર્ટીએ વંદે માતરમ…

1937માં કારોબારીના ઠરાવનું અનુસરણ ચાલુ રહેશે: પક્ષની બેઠકમાં પેપરલીક, અયોધ્યા ચોરી મુદ્દે અભિયાન છેડવા નિર્ણય

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બુધવારે યોજાયેલી બેઠકમાં પાર્ટીએ વંદે માતરમ અંગે સ્પષ્ટ સ્ટેન્ડ લીધો છે. પાર્ટી હવે પોતાના કાર્યક્રમોમાં વંદે માતરમના માત્ર પહેલા બે સ્તવનો જ ગાશે. CWC એ 1937ના પોતાના જ ઠરાવનો ઉલ્લેખ કરીને આ નિર્ણયને મજબૂતાઈ આપી છે.

AICCના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે જ સ્પષ્ટ કરી દીધું હતું. આજે પણ CWC માં આ મુદ્દો ચર્ચાયો. અમારો સ્ટેન્ડ સ્પષ્ટ છે. 1937ના CWC ઠરાવને અનુસરીને અમે માત્ર પહેલા બે સ્તવનો જ ગાઈશું. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, રવીન્દ્રનાથ ટાગોર, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર પટેલે પણ તે જ સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રગીત (જન ગણ મન) અને વંદે માતરમ કોંગ્રેસ માટે ભાવનાત્મક છે, પરંતુ BJP માટે તે રાજકીય છે. અમારી અને તેમની વચ્ચેનો આ તફાવત છે. AICCના સંચાર મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું કે CWC બેઠકમાં ખડગેએ 1937ના ઠરાવના અમુક અંશો વાંચ્યા હતા. આમાં કોઈ વિવાદ નથી.

આજના મુદ્દા અલગ છે… 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાની છેલ્લી બેઠકમાં તેના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે પણ સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ રહેશે.

તાજેતરમાં ગોવામાં યોજાયેલા એક કાર્યક્રમમાં વંદે માતરમના તમામ છ સ્તવનો ન ગાવા બદલ BJP એ કોંગ્રેસ પર હુમલો તીવ્ર કર્યો હતો. તેના જવાબમાં ખડગેએ કહ્યું હતું કે તેમણે એ જ વર્ઝન ગાયું છે જે મહાત્મા ગાંધી, નેહરુ અને સરદાર પટેલે ગાયું હતું. જો તે ગુના હોય તો સરકારે તે મહાનેતાઓ વિરુદ્ધ પણ FIRનોંધવી જોઈએ.
CWC બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત પાર્ટીના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પરીક્ષા પેપર લીક અને અયોધ્યા રામ મંદિરમાં કથિત ‘ચંદા ચોરી’ જેવા મુદ્દાઓ પર દેશવ્યાપી અભિયાનોની વ્યૂહરચના ઘડવામાં આવી. વેણુગોપાલે જણાવ્યું કે પાર્ટી પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીની છાત્રોં કી ગૂંજ અભિયાનને વધુ વિસ્તૃત કરશે. સાથે જ રામ મંદિરની ચંદા ચોરીના મુદ્દાને ગ્રામીણ અને પંચાયત સ્તર સુધી લઈ જવામાં આવશે. CWC એ મહિલા આરક્ષણ કાયદાને હાલની 543 લોકસભા બેઠકો પર અમલમાં મૂકવાની માંગ પણ ફરી કરી.

 

આ નિર્ણય શહીદોનું અપમાન: શાહ કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ: નીતિન નબીન
’વંદે માતરમ’ ના ફક્ત બે શ્ર્લોક ગાવાના નિર્ણય અંગે કોંગ્રેસ પર નિશાન સાધતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિપ્પણી કરી હતી કે 1937 માં, કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમોને ખુશ કરવા માટે ’વંદે માતરમ’ ને બે ભાગમાં વિભાજીત કરીને દેશના ભાગલાનો પાયો નાખ્યો હતો. તે પગલાથી બે રાષ્ટ્ર સિદ્ધાંતને વેગ મળ્યો, જે આખરે દેશના ભાગલા અને પાકિસ્તાનના જન્મ તરફ દોરી ગયો.” તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે ’વંદે માતરમ’ ને 150 વર્ષ પૂર્ણ થતાં તે ઐતિહાસિક ભૂલને સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ નિર્ણયને કાનૂની સમર્થન પણ આપવામાં આવ્યું છે. આની અવગણના કરીને, કોંગ્રેસે ખોટો નિર્ણય લીધો છે. ગૃહમંત્રીએ રાષ્ટ્રને યાદ અપાવ્યું કે કોંગ્રેસનો આ નિર્ણય ફક્ત તેની આત્યંતિક તુષ્ટિકરણની નીતિને સમર્થન આપે છે. તેમણે માત્ર સ્વર્ગસ્થ બંકિમ બાબુની અમર કૃતિનું જ નહીં પરંતુ પોતાના જીવનું બલિદાન આપનારા લાખો શહીદોનું પણ અપમાન કર્યું છે. ભાજપ પ્રમુખ નીતિન નવીન દ્વારા વંદે માતરમનું કોંગ્રેસ દ્વારા તેના પાર્ટી કાર્યાલયમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ફક્ત બે શ્ર્લોક ગાવાના નિર્ણય પર થયેલા વિવાદ પર ટિપ્પણી કરતા જણાવ્યું કે વિરોધી પક્ષ મત માટે “નવી મુસ્લિમ લીગ” બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *