OTT પ્લેટફોર્મ્સ વચ્ચેની સ્પર્ધા હવે વધુ રસપ્રદ બની રહી છે. માત્ર નેટફ્લિક્સ જ નહીં, અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પણ સતત મજબૂત ક્ધટેન્ટ રજૂ કરી રહ્યાં છે. તાજેતરમાં રિલીઝ થયેલી વેબ-સિરીઝ ’આદર્શ બાલ વિદ્યાલય’એ આવતાંની સાથે જ ઓટીટી પર ધૂમ મચાવી છે. કે.કે મેનન અને અર્ચના પૂરનસિંહ અભિનીત આ સોશ્યલ સટાયર સિરીઝને પ્રાઇમ વિડિયો પર દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
એક રિપોર્ટ મુજબ ’આદર્શ બાલ વિદ્યાલય’એ પોતાના ડેબ્યુ અઠવાડિયામાં 4.5 મિલ્યન એટલે કે 45 લાખ વ્યુઝ મેળવ્યા છે. આ સિદ્ધિ સાથે જ એ 2026માં નેટફ્લિક્સ સિવાયના કોઈપણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સૌથી વધુ ડેબ્યુ વ્યુઅરશિપ મેળવનારી વેબ-સિરીઝ બની છે. જ્યારે કુલ OTT ડેબ્યુની વાત કરીએ તો એ ’તસ્કરી’ પછી બીજા ક્રમે રહી છે. એણે ’મેડ ઇન ઇન્ડિયા : અ ટાઇટન સ્ટોરી’ અને ’પ્રીતમ એન્ડ પેડ્રો’ના 4.5 મિલ્યન વ્યુઝની બરાબરી કરી હતી.
સાથે જ એણે લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ’ઍસ્પિરન્ટ્સ સીઝન 3’ને પણ પાછળ છોડી દીધી હતી. ’આદર્શ બાલ વિદ્યાલય’ની વાર્તા એક ગામની સરકારી શાળાની આસપાસ ફરે છે, જ્યાં બાળકોનું મન ભણવા કરતાં રમતમાં અને તોફાનમાં વધુ લાગે છે. શાળાના હેડમાસ્ટર જ્ઞાનેશ્વર ત્રિપાઠી પણ બાળકો સાથે ક્રિકેટ રમવામાં વધારે રસ ધરાવે છે, પણ જ્યારે તેમને ખબર પડે છે કે જો આ વખતે દસમા ધોરણનું પરિણામ સારું આવશે તો તેમને પત્ની સાથે વિદેશપ્રવાસ કરવાની તક મળશે ત્યારે તે બાળકોને ભણાવવામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે શાળામાં સંસાધનોની અછત અને અનેક પડકારો તેમના માર્ગમાં અવરોધ બનીને ઊભાં રહે છે.
