જાણી જોઇને નો-બોલ ફેંકનાર બોલર આખી મેચમાંથી થશે સસ્પેન્ડ

ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) 2026-27 ઘરેલુ સત્ર પહેલા ઘણાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જેમાં જાણી જોઈને નો-બોલ ફેંકનાર બોલરને આખી મેચમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે.…

ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) 2026-27 ઘરેલુ સત્ર પહેલા ઘણાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જેમાં જાણી જોઈને નો-બોલ ફેંકનાર બોલરને આખી મેચમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ઘણાં બોલર જાણી જોઈને ’ફ્રંટ-ફૂટ નો-બોલ’ કે એવો બોલ ફેંકે છે જેમાં તેનો પગ નક્કી સ્થાન પર નથી પડતો, તો તેને એ ઇનિંગ જ નહીં, પરંતુ આખી મેચમાંથી બહાર કરી દેવામાં આવશે. અત્યાર સુધી લાગુ નિયમોમાં આવા કેસમાં બોલરને માત્ર ચાલુ ઇનિંગમાં જ બોલિંગ કરતા સસ્પેન્ડ કરવામાં આવતો હતો.

બીસીસીઆઈએ તાજેતરમાં મેરીલેબોન ક્રિકેટ ક્લબ દ્વારા સૂચવાયેલા નિયમોમાં થયેલા ફેરફારો તમામ રાજ્ય ક્રિકેટ સંઘો સાથે શેર કર્યા છે. PTI પાસે ઉપલબ્ધ બીસીસીઆઈના પરિપત્ર અનુસાર, ’પ્લેઇંગ કન્ડિશન્સ’ના નિયમ 41.8માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો કોઈ બોલર ગંભીર ગેરવર્તન કરે તો તેને સમગ્ર મેચમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય મેદાન પર હાજર અમ્પાયરો જ લેશે.

અન્ય એક મહત્વપૂર્ણ ફેરફાર દિવસની રમત પૂર્ણ થવાના નિયમ સાથે સંબંધિત છે. નવા નિયમ મુજબ, જો દિવસની છેલ્લી ઓવરમાં વચ્ચે વિકેટ પડે તો પણ તે ઓવર પૂર્ણ કરાવવામાં આવશે. અગાઉ છેલ્લી ઓવરની વચ્ચે વિકેટ પડતાં જ સ્ટમ્પ્સ જાહેર કરીને દિવસની રમત સમાપ્ત કરી દેવામાં આવતો હતો. MCCનું માનવું હતું કે નિયમ 12.5.2ને કારણે દિવસના અંતે નવા બેટ્સમેનને ક્રિઝ પર આવવાની તક મળતી નહોતી. તેથી આ નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત હવે કોઈ પણ મેચની છેલ્લી ઇનિંગ્સમાં કોઈ ટીમ ડિક્લેર અથવા ફોરફિટ કરવાનો વિકલ્પ અપનાવી શકશે નહીં. નિયમ 15.2માં કરવામાં આવેલા આ ફેરફાર પાછળનું કારણ એ છે કે શાસક સંસ્થાઓના મતે કેટલાક કિસ્સાઓમાં આ જોગવાઈનો ઉપયોગ કૃત્રિમ પરિણામ મેળવવા માટે થતો હતો, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે.

હવે સ્થાનિક વનડે મેચોમાં ટીમના મુખ્ય કોચને ડ્રિંક્સ બ્રેક દરમિયાન મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ICC આ પ્રકારનો નિયમ અમલમાં મૂકવાનો પ્રસ્તાવ આપી ચૂકી છે. નવી જોગવાઈ હેઠળ વિકેટકીપરોને પણ રાહત આપવામાં આવી છે. હવે તેમને માત્ર બોલ ફેંકતી વખતે જ પોતાના ગ્લોવ્ઝ સ્ટમ્પ્સની પાછળ રાખવાના રહેશે. અગાઉ બોલર રન-અપ શરૂૂ કરે ત્યારથી જ વિકેટકીપરે સતત સ્ટમ્પ્સની પાછળ ગ્લોવ્ઝ રાખવા પડતા હતા. આ નિયમના કારણે અગાઉ ઘણી વખત બોલને નો-બોલ જાહેર કરવામાં આવતો અથવા સ્ટમ્પિંગ અમાન્ય ઠરતી હતી.

આવતા મહિને શરૂૂ થનારી દુલીપ ટ્રોફીથી સ્થાનિક ક્રિકેટ સીઝનની શરૂૂઆત થશે. તે પહેલાં રાજ્ય ક્રિકેટ સંઘોએ અમ્પાયરો અને મેચ રેફરીઓને નવા નિયમોની જાણકારી આપવાનું શરૂૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *