પેપર લીકના કારણે ફરી લેવાઇ હતી, દેશના 551 અને વિદેશના 14 શહેરોમાં 5,440 કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ, 56.8 ટકા વિદ્યાર્થિનીઓ અને 5501 ટકા વિદ્યાર્થીઓ સફળ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ગુરુવારે મોડી સાંજે NEET UG 2026નું પરિણામ જાહેર કર્યું છે. સમયસર પરિણામ જાહેર થતાં હવે મેડિકલ કોલેજોમાં પ્રવેશ અને કાઉન્સેલિંગની પ્રક્રિયા નિર્ધારિત કાર્યક્રમ મુજબ શરૂૂ થઈ શકશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને પોતાનો સ્કોરકાર્ડ જોઈ શકે છે.
આ વર્ષે NEET UG 2026ની પરીક્ષા પેપર લીકના કારણે ફરી લેવામાં આવી હતી. રી-NEET પરીક્ષામાં દેશ અને વિદેશના લગભગ 20 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરીક્ષાનું આયોજન ભારતના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં આવેલા 5,440 પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું. તેમાંથી 11.21 લાખ ઉમેદવારો MBBS, BDS, AYUSH અને અન્ય સંબંધિત મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે.
NTAના જણાવ્યા અનુસાર, ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં 58 ટકાથી વધુ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થિનીઓનો સફળતાનો દર પણ વિદ્યાર્થીઓ કરતાં વધુ રહ્યો છે. પરીક્ષામાં ભાગ લેનારી 56.8 ટકા વિદ્યાર્થિનીઓ સફળ રહી, જ્યારે વિદ્યાર્થીઓનો સફળતાનો દર 55.1 ટકા રહ્યો.
આ વખતે 138 ઉમેદવારોએ 720માંથી 690થી વધુ ગુણ મેળવ્યા છે. તેમાંના 93 ટકાથી વધુ ઉમેદવારોએ પ્રથમ વખત ગઊઊઝ પરીક્ષા આપી હતી, જ્યારે 99 ટકા ટોપર્સની ઉંમર 17થી 19 વર્ષ વચ્ચે છે. દેશભરમાં 19 ઉમેદવારોએ 700થી વધુ ગુણ મેળવ્યા છે. સૌથી વધુ 715 ગુણ પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પાંશુલ બંસલે સંયુક્ત રીતે મેળવ્યા છે. જ્યારે 1,492 ઉમેદવારોએ 650 કે તેથી વધુ, 10,160 ઉમેદવારોએ 600 કે તેથી વધુ અને 90,780 ઉમેદવારોએ 500 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે.
NTAના જણાવ્યા અનુસાર, તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઉમેદવારો ક્વોલિફાય થયા છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 1.7 લાખથી વધુ ઉમેદવારો સફળ થયા છે, જ્યારે લક્ષદ્વીપમાંથી 43 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. રાજ્યવાર ટોપર્સમાં લદ્દાખની જિગ્મેટ યાંગચેન લામો (530 ગુણ), અંડમાન-નિકોબારના ધ્રુવ ત્રિપાઠી (606 ગુણ) અને લક્ષદ્વીપની ફહમીદા અનીસ (573 ગુણ)નો સમાવેશ થાય છે. કુલ 17 રાજ્યોના ટોપર્સે 700 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 26 રાજ્યોના ટોપર્સે 690થી વધુ ગુણ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, NEET UG 2026ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવી હતી, જેમાં હિન્દી, અંગ્રેજી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.
NTA એ સ્પષ્ટ કર્યું છે કે, તેનું કામ પરીક્ષા યોજવાનું, પરિણામ જાહેર કરવાનું અને ઓલ ઈન્ડિયા રેન્ક જાહેર કરવાનું છે. MBBS અને BDSની ઓલ ઈન્ડિયા ક્વોટાની કાઉન્સેલિંગ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા કરવામાં આવશે, જ્યારે રાજ્ય ક્વોટાની કાઉન્સેલિંગ સંબંધિત રાજ્ય સરકારો કરશે.
કેટેગરી પ્રમાણે સફળ થયેલા ઉમેદવારો
સામાન્ય વર્ગ: 2.91 લાખ
OBC-NCL: 5.12 લાખ
SC: 1.59 લાખ
ST: 63,716
EWS: 95,026
PwBD: 3,666
PwD: 303
