દેખ રહા હૈ ના વિનોદ: દેશમાં રોજ 25 શાળાને તાળા

નીતિ આયોગના રિપોર્ટમાં શિક્ષણ વ્યવસ્થાનો પર્દાફાસ: 10 વર્ષમાં 94000 સરકારી શાળાઓ બંધ થઇ, ખાનગી શાળાઓ વધી છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ…

નીતિ આયોગના રિપોર્ટમાં શિક્ષણ વ્યવસ્થાનો પર્દાફાસ: 10 વર્ષમાં 94000 સરકારી શાળાઓ બંધ થઇ, ખાનગી શાળાઓ વધી છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી

નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અંગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો એક અહેવાલ ભારે ચોંકાવનારો છે. ’સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પોરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એનહાંસમેન્ટ’ શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 10 વર્ષમાં દેશભરમાંથી 94,000 જેટલી સરકારી શાળાઓ નામશેષ થઈ ગઈ છે.

શિક્ષણ જગતમાં ચિંતાની લહેર જગાડતા આ આંકડા સ્પષ્ટ કરે છે કે, ગ્રામીણ ભારતમાં શાળાકીય શિક્ષણ અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
રિપોર્ટના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દરરોજ સરેરાશ 25 શાળાઓ બંધ થઈ છે, જેમાં સૌથી મોટો હિસ્સો સરકારી શાળાઓનો છે. વર્ષ 2014-15માં દેશમાં સરકારી શાળાઓની સંખ્યા 11.07 લાખ હતી, જે વર્ષ 2024-25માં ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે.

આ જ ગાળામાં સરકારી સહાયતા મેળવતી શાળાઓની સંખ્યા પણ 83,000થી ઘટીને 79,000 થઈ ગઈ છે. આનાથી તદ્દન વિપરીત, આ 10 વર્ષના ગાળામાં ખાનગી શાળાઓની સંખ્યા 2.88 લાખથી વધીને 3.39 લાખ પર પહોંચી ગઈ છે.

શાળાઓ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓનો કુલ એડમિશન આંકડો 2.26 કરોડ જેટલો ઘટી ગયો છે. નીતિ આયોગના અહેવાલ મુજબ, વર્ષ 2014-15માં દેશની શાળાઓમાં કુલ 26.95 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે વર્ષ 2024-25માં ઘટીને 24.69 કરોડ થઈ ગયા છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં આવેલા આ ઘટાડા પાછળ કેટલાક કારણો દર્શાવામાં આવ્યા છે. એ મુજબ દેશમાં પ્રજનન દર ઘટવાના કારણે શાળાએ જવા યોગ્ય ઉંમરના બાળકોની વસ્તી ઓછી થઈ રહી છે. આ ઉપરાંત ઓછી સંખ્યાવાળી શાળાઓને એક કરી દેવાની નીતિ પણ આંશિક રીતે જવાબદાર છે. ઊંચા ધોરણોમાં બાળકોને શાળામાં ટકાવી રાખવાના પડકારો પણ આ સ્થિતિ માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

 

ડ્રોપઆઉટ રેશિયો વધ્યો
ભારતમાં પ્રાઇમરી ક્લાસ (ધોરણ 1થી 5): શાળા છોડવાનો દર માત્ર 0.3% છે. અપર પ્રાઇમરી (ધોરણ 6થી 8): આ દર વધીને 3.5% થઈ જાય છે. માધ્યમિક સ્તર (ધોરણ 9 અને 10): અહીં પહોંચતા જ ડ્રોપઆઉટ રેટ 11.5%ના જોખમી સ્તરે પહોંચી જાય છે. એટલું જ નહીં, ધોરણ 8માંથી 9માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનો દર પણ વર્ષ 2014-15ના 91.58%થી ઘટીને વર્ષ 2024-25માં 86.6% રહી ગયો છે. પુડુચેરી અને કેરળ જેવા રાજ્યોમાં આ દર 99.6% જેટલો ઉત્તમ છે, પરંતુ બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં આ સ્થિતિ ઘણી ચિંતાજનક છે.

ધોરણ 9ના વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પણ નબળા!
શાળાઓ બંધ થવાની સાથે સાથે શિક્ષણની ગુણવત્તા પર પણ આ રિપોર્ટમાં ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ધોરણ 9માં ભણતા ઘણા વિદ્યાર્થીઓ માત્ર બીજગણિત અને ભૂમિતિ જેવા અઘરા વિષયોમાં જ નહીં, પરંતુ ટકાવારી, અપૂર્ણાંક અને ગુણોત્તર જેવી ગણિતની પાયાની બાબતો સમજવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *