નીટ પરીક્ષાના વિવાદ અને પેપર લીકની ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે શિક્ષણ વ્યવસ્થાના કેટલાક રક્ષકો જ ભક્ષક બની ગયા હતા, જેના કારણે પેપર લીક થયું હતું. જોકે, તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી નહીં બને તેવો દાવો કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, ભવિષ્યમાં પેપર લીક ક્યારેય નહીં થાય તેવો દાવો કરી શકાય નહીં. મારી જવાબદારી પરીક્ષાને સાચી અને યોગ્ય રીતે યોજવાની છે અને તેના માટે અત્યારે કામ ચાલી રહ્યું છે.
આગામી સમયમાં સિસ્ટમને વધુ સુરક્ષિત કરવા માટેNEETની પરીક્ષા કમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિથી લેવામાં આવશે. પેપર લીક કરનારી ગેંગ અંગે વાત કરતા મંત્રીએ કહ્યું કે, સોલ્વર ગેંગ પહેલા પણ સક્રિય હતી, પરંતુ આ વખતે અમે ખાસ પેટર્ન તૈયાર કરીને તેમને પકડ્યા છે. હવે આપણે માત્ર રમતની શરતો કે નિયમો નથી બદલવાના, પરંતુ આખી ગેમ જ બદલી નાખવાની જરૂૂર છે. આ સમગ્ર કૌભાંડની તપાસ CBI કરી રહી છે. જો NTAના કોઈ અધિકારીની મિલીભગત સામે આવશે, તો તેમની સામે પણ કડક પગલાં લેવાશે.
ધર્મેન્દ્ર પ્રધાને ઉમેર્યું કે, લોકશાહીમાં થતી આલોચનાઓમાંથી જ સારા સૂચનો મળે છે. અમે આ વિવાદમાંથી ઘણા પાઠ શીખ્યા છે અને શિક્ષકો, બુદ્ધિજીવીઓ તેમજ અનુભવી વહીવટકર્તાઓના સૂચનો પર કામ કર્યું છે. હવે આપણી જવાબદારી દેશમાં એક સંપૂર્ણ પારદર્શક શિક્ષણ પ્રણાલી અપનાવવાની છે. ગઝઅ ના કામકાજમાં કોઈ ગડબડ થઈ નથી, તેઓ હજુ પણ વધુ સારું કામ કરી રહ્યા છે.
