યુવાનોમાં વધી રહ્યો છે નાઇટ ટૂરિઝમનો ક્રેઝ

પહેલાં ફરવાનો અર્થ માત્ર વહેલી સવારેથી દિવસભર સ્થળો જોવા અને સાંજ સુધીમાં પાછા ફરવું એવો થતો હતો. પરંતુ હવે ટ્રાવેલિંગની રીત ઘણી બદલાઈ ગઈ છે.…

પહેલાં ફરવાનો અર્થ માત્ર વહેલી સવારેથી દિવસભર સ્થળો જોવા અને સાંજ સુધીમાં પાછા ફરવું એવો થતો હતો. પરંતુ હવે ટ્રાવેલિંગની રીત ઘણી બદલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા, બદલાતી લાઈફસ્ટાઈલ અને કંઈક નવું અનુભવવાની ઈચ્છાએ Gen Z અને મિલેનિયલ્સ વચ્ચે નાઈટ ટૂરિઝમને એક નવો ટ્રેન્ડ બનાવી દીધો છે. હવે યુવાનો એવા સ્થળોની શોધી રહ્યા છે જ્યાં રાત્રે પણ શહેરની રોનક, સંસ્કૃતિ અને રોમાંચનો અનુભવ કરી શકાય.

નાઈટ ટૂરિઝમ માત્ર મોડી રાતની પાર્ટી કે નાઈટલાઈફ પૂરતું મર્યાદિત નથી. તેમાં ઐતિહાસિક સ્થળોનો રાત્રિનો સુંદર નજારો, નાઈટ સફારી, કેમ્પિંગ, લેટ નાઈટ ફૂડ સ્ટ્રીટ, મ્યુઝિક શો અને રોશનીથી જગમગતા બજારો પણ સામેલ છે. આ જ કારણ છે કે, ભારતના ઘણા શહેરો હવે રાત્રિ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છે.
રાજસ્થાનનું પાટનગર જયપુર દિવસના સમયે તેની ઐતિહાસિક ઇમારતો અને શાહી વારસા માટે જાણીતું છે, પરંતુ રાત થતાં જ તેનો નજારો તદ્દન બદલાઈ જાય છે. રોશનીથી શણગારેલો આમેર કિલ્લો, જલમહેલ અને આલ્બર્ટ હોલ મ્યુઝિયમ જોવામાં અદ્ભુત લાગે છે. સાંજ પછી જયપુરની ગલીઓ અને બજારો પણ અલગ જ રંગમાં રંગાયેલા જોવા મળે છે. અહીં આવતા પ્રવાસીઓ રાત્રે લોકલ ફૂડનો સ્વાદ માણે છે અને શહેરની જૂની સંસ્કૃતિને નજીકથી અનુભવે છે. રોશની અને ઇતિહાસનું આ મિશ્રણ જયપુરને નાઈટ ટ્રાવેલ માટે ખાસ બનાવે છે.

મુંબઈને એમ જ ’સિટી ધેટ નેવર સ્લીપ્સ’ કહેવામાં આવતું નથી. દિવસની ભાગદોડ પછી પણ આ શહેર રાત્રે પોતાની રફતાર જાળવી રાખે છે. મરીન ડ્રાઈવની ચમકતી લાઈટ્સ, દરિયા કિનારાની ઠંડી હવા અને રાત્રે જગમગતું શહેર લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. બાંદ્રા-વરલી સી લિંકનો નજારો રાત્રે ખૂબ જ ખાસ લાગે છે.

આ સિવાય મુંબઈની નાઈટ ફૂડ સ્ટ્રીટ અને મોડી રાત સુધી ખુલ્લા રહેતા કેફે પણ પ્રવાસીઓને ખૂબ જ ગમે છે. અહીં રાત વિતાવવાનો અનુભવ કોઈ ફિલ્મી વાર્તા જેવો લાગે છે. જો તમે ઘોંઘાટથી દૂર પ્રકૃતિની વચ્ચે સમય વિતાવવા માંગો છો, તો ઋષિકેશનું નાઈટ ટૂરિઝમ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. ગંગા કિનારે કેમ્પિંગ, બોનફાયર અને ખુલ્લા આકાશ નીચે બેસીને તારાઓને જોવા એ અહીંના ખાસ અનુભવોમાં સામેલ છે. રાત્રિના સમયે ગંગા કિનારાનું વાતાવરણ અત્યંત શાંત અને સુંદર બની જાય છે. શહેરની ભાગદોડથી દૂર અહીં વિતાવેલી રાત લોકોને માનસિક શાંતિ અને પ્રકૃતિની નજીક હોવાનો અહેસાસ કરાવે છે.

ગોવાનું નામ સાંભળતાં જ દરિયો, બીચ અને નાઈટલાઈફનું ચિત્ર સામે આવી જાય છે. અહીં રાત્રિનું વાતાવરણ દિવસ કરતાં તદ્દન અલગ હોય છે. બીચ કિનારે મ્યુઝિક, નાઈટ માર્કેટ અને લાઈવ પર્ફોર્મન્સ પ્રવાસીઓને આકર્ષે છે. જો કે, ગોવા માત્ર પાર્ટી માટે જ પ્રખ્યાત નથી. રાત્રે દરિયા કિનારે બેસીને મોજાંનો અવાજ સાંભળવો એ પણ એક ખાસ અનુભવ આપે છે. ચાંદની રાતમાં દરિયાનું શાંત સ્વરૂૂપ જોવા માટે પણ લોકો અહીં પહોંચે છે.
ગુજરાતનું કચ્છનું રણ રાત્રિના સમયે કોઈ બીજી જ દુનિયા જેવું જોવા મળે છે. ખાસ કરીને પૂનમની રાત્રે જ્યારે અહીં સફેદ રણ પર ચંદ્રનો પ્રકાશ પડે છે, ત્યારે આખો વિસ્તાર ખૂબ જ સુંદર જોવા મળે છે. દૂર-દૂર સુધી ફેલાયેલી સફેદ રેતી, ઠંડી હવા અને શાંત વાતાવરણ લોકોને એક યાદગાર અનુભવ આપે છે. રણ ઉત્સવ દરમિયાન અહીં રાત્રિના સમયે યોજાતા કાર્યક્રમો અને સાંસ્કૃતિક શો પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

શા માટે વધી રહ્યો છે નાઈટ ટૂરિઝમનો ક્રેઝ?
નાઈટ ટૂરિઝમ વધવાનું સૌથી મોટું કારણ લોકોની નવા પ્રકારના અનુભવોની શોધ છે. હવે લોકો માત્ર ફોટા પડાવવા માટે જ નહીં, પરંતુ કોઈ સ્થળની અસલી સંસ્કૃતિ અને વાતાવરણને અનુભવવા માટે ટ્રાવેલ કરે છે. રાત્રે ફરવાથી ઘણી જગ્યાએ ભીડ ઓછી જોવા મળે છે અને પ્રવાસીઓ વધુ આરામથી સ્થળોની મુલાકાત લઈ શકે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સુંદર નાઈટ ફોટોઝ અને વીડિયોઝ Gen Z અને મિલેનિયલ્સ માટે ખાસ આકર્ષણ બની જાય છે. આ બધા કારણો લીધે આ ટ્રેન્ડને પ્રોત્સાહન મળી રહ્યું છે. ઘણા શહેરો હવે નાઈટ માર્કેટ, લાઈટ શો અને ખાસ ટૂરિઝમ પ્રોગ્રામ શરૂૂ કરી રહ્યા છે, જેથી પ્રવાસીઓ રાત્રે પણ શહેરોને એક્સપ્લોર શકે. આવનારા સમયમાં નાઈટ ટૂરિઝમ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીનો એક મોટો હિસ્સો બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *