કાશ્મીરમાં સ્થિતિ સુધરી પણ સામાન્ય નથી થઇ

કોંગ્રેસના સાંસદ શશિ થરૂૂરે ફરી એક વાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનાં વખાણ કરતા કોંગ્રેસીઓને મરચાં લાગી ગયાં છે. શ્રીનગર ગયેલા થરૂૂરે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને…

કોંગ્રેસના સાંસદ શશિ થરૂૂરે ફરી એક વાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનાં વખાણ કરતા કોંગ્રેસીઓને મરચાં લાગી ગયાં છે. શ્રીનગર ગયેલા થરૂૂરે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને મળ્યા પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી કે, જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે અને કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. શશિ થરૂૂરે કાશ્મીરી લેખકોના સંગઠન જમ્મુ એન્ડ કાશ્મીર રાઈટર્સ એસોસિએશન તથા મહિલા સંગઠનના પ્રતિનિધીઓ સાથેની મનોજ સિંહાની વાતચીતનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, લેફ્ટનન્ટ ગવર્નર એક હકારાત્મક પહેલ કરી રહ્યા છે કે જેને હું આવકારું છું.

હજુ ઘણા બધા પડકારો છે અને હજુ ઘણું બધું કરવાનું બાકી છે પણ આ મુલાકાત પછી હું પહેલાંની મુલાકાતો કરતાં વધારે હકારાત્મક થઈને બહાર આવ્યો છું. કોંગ્રેસની ટીકા સામે ભાજપે પણ ઝૂકાવતાં ત્રિપાંખિયો જંગ જામી ગયો છે. ભાજપના પ્રવક્તા અભિજીત જસરોટિયાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસ કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ પર હુમલા કર્યા કરે છે પણ વાસ્તવિકતા એટલે કે ગ્રાઉન્ડ રિયાલિટી અલગ જ ચિત્ર રજૂ કરે છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ 370 રદ થયા પછી પથ્થરમારો લગભગ બંધ થઈ ગયો છે અને સત્તાવાર આંકડા દર્શાવે છે કે છેલ્લા 18 મહિનામાં એક પણ કાશ્મીરી યુવાન આતંકવાદી સંગઠનોમાં જોડાયો નથી.

કોંગ્રેસ આ વાસ્તવિકતાને જોવા જ નથી માગતી એ કમનસીબી કહેવાય. વાસ્તવિક રીતે જોઈએ તો જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ પહેલાં કરતાં સારી છે પણ ભાજપ દાવો કરે છે તેમ એકદમ સારી પણ નથી. સામે કોંગ્રેસ કહે છે એ રીતે સ્થિતિ એકદમ હાથથી ગયેલી પણ નથી. આઈસીયુમાં રહેલા દર્દીની સ્થિતિ બે-પાંચ ટકા સુધરે તેના કારણે દર્દી સારો ના થઈ જાય ને તબિયત વધારે લથડી છે એવું પણ ના કહેવાય. જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ એવી જ છે. કાશ્મીરની સ્થિતિમાં થયેલા સુધારા માટે પણ આપણા લશ્કરની કામગીરી અને સતર્કતા જવાબદાર છે, કેન્દ્ર સરકારની નીતિઓ કે ભાજપના નેતાઓની ભાષણબાજી નહીં.

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ એકદમ સામાન્ય ત્યારે જ કહેવાય કે ત્યારે આ દેશની કોઈ પણ વ્યક્તિ જમ્મુ અને કાશ્મીર જઈને રહી શકે. અત્યારે એવી સ્થિતિ બિલકુલ નથી અને બંધારણની કલમ 370ની નાબૂદીનાં 7 વર્ષ પછી પણ કેન્દ્રની ભાજપ સરકાર તો આ દેશનો સામાન્ય માણસ કાશ્મીર જઈને વસી શકે એવા સંજોગો પેદા કરવામાં ધરાર નિષ્ફળ જ ગઈ છે એ વાસ્તવિકતા છે. ઈઝરાયલ બન્યું પછી દુનિયાભરમાંથી યહૂદીઓ આવીને ત્યાં વસ્યા કે જેથી એક થઈને પેલેસ્ટાઈનના નામે ચાલતા આતંકવાદનો મુકાબલો કરી શકાય. ભારતનું કોઈ હિંદુવાદી સંગઠન એવું કહે છે કે, અમારા 10 હજાર કાર્યકરો પંડિતોની સાથે, તેમના માટે બનાવેલી કોલોનીઓમાં જઈને રહેશે ને તેમની રક્ષા માટે એક થઈને લડશે ? ખાલી વાતો કરવાથી ઈઝરાયલ ના બનાય, ભાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *