‘ઓપરેશન ટાઇગર’ અમિત શાહને પીએમ બનાવવાનો ખેલ: રાજ ઠાકરેનો ધડાકો

ભાજપના કેન્દ્રીય નેતૃત્વમાં આંતરિક રાજકારણનો પણ દાવો મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ સભા યોજીને કાર્યકરોને સંબોધિત કર્યા એ દરમ્યાન તેમણે ’ઑપરેશન ટાઇગર’ મુદ્દે…

ભાજપના કેન્દ્રીય નેતૃત્વમાં આંતરિક રાજકારણનો પણ દાવો

મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ સભા યોજીને કાર્યકરોને સંબોધિત કર્યા એ દરમ્યાન તેમણે ’ઑપરેશન ટાઇગર’ મુદ્દે બોલતાં ભારતીય જનતા પાર્ટીને નિશાને લીધી હતી અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. અમિત શાહ 2029માં વડા પ્રધાન બનવાની તૈયારી કરી રહ્યા હોવાનું કહીને તેમણે BJPના કેન્દ્રીય નેતૃત્વમાં ફૂટ હોવાનો અને રાજકારણ ચાલતું હોવાનો દાવો પણ કર્યો હતો.
કાર્યકરોને સંબોધતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ’શિવસેના (UBT)ના છ સંસદસભ્યો એકનાથ શિંદેની શિવસેનામાં કેમ ગયા? તે બધા BJPમાં કેમ ન ગયા? આ બધી 2029માં લોકસભાની ચૂંટણી બાદ પોતે વડા પ્રધાન બનવાની અમિત શાહની તૈયારી છે.’

રાજ ઠાકરેએ BJPની ટીકા કરતાં કહ્યું હતું કે ’એક તો ભારત અને મહારાષ્ટ્રમાં દુકાળની પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે એવામાં અહીં શું ચાલે છે? સંસદસભ્યોને, નગરસેવકોને, વિધાનસભ્યોને ફોડીને તેમને પોતાના તરફ લાવવા. આ તો આપણા રાજકીય નેતાઓએ વિચારવું જોઈએ કે શું ચાલી રહ્યું છે.’

બોગસ મતદારો અને ખાસ કરીને ગેરકાયદે ઘૂસણખોરી કરીને આવેલાઓને મતદારયાદીમાંથી કાઢવા માટેની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા વિશે રાજ ઠાકરેએ BJP પર નિશાન સાધ્યું હતું અને મતદારયાદીમાં ફેરફાર કરીને સત્તા મેળવાઈ હોવાનો ટોણો માર્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ’પશ્ચિમ બંગાળમાં શું થયું એ આપણે બધા જ જાણીએ છીએ એટલે એના વિશે દુર્લક્ષ ન સેવવું જોઈએ. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી મતદારયાદીની પ્રક્રિયા વખતે આંખમાં તેલ રેડીને પણ બરાબર ધ્યાન આપજો. નહીંતર BJP મતદારયાદીમાંથી નામ ગાયબ કરી દેશે અને ખબર પણ નહીં પડે. પછી ચૂંટણી લડવાનો કોઈ અર્થ જ નહીં રહે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *