ઉધ્ધવની શિવસેનાને સંજય રાઉતે ડૂબાડી?

    મહારાષ્ટ્રમાં હમણાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ઘમસાણ મચ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવની શિવસેનાના મહારાષ્ટ્રમાંથી કુલ 9 સાંસદો ચૂંટાયા હતા ને તેમાંથી 6 સાંસદોએ…

 

 

મહારાષ્ટ્રમાં હમણાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ઘમસાણ મચ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવની શિવસેનાના મહારાષ્ટ્રમાંથી કુલ 9 સાંસદો ચૂંટાયા હતા ને તેમાંથી 6 સાંસદોએ ઉદ્ધવની શિવસેના છોડી દેવાનું એલાન કરી દીધું છે. પક્ષપલટા ધારાની જોગવાઈ પ્રમાણે બે તૃતિયાંશ સાંસદો કે ધારાસભ્યો પક્ષ છોડે તો તેમને પક્ષપલટા ધારા હેઠળ ગેરલાયક ના ઠેરવી શકાય. બળવાખોર 6 સાંસદોને પક્ષપલટા ધારો લાગુ પડે એમ નથી તેથી નવા જૂથ તરીકે માન્યતા મળવાની ઘડીઓ ગણતરી ગણાઈ રહી છે.

આ 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જશે, ભાજપમાં જશે કે પછી અલગ જૂથ તરીકે અસ્તિત્વ ટકાવશે એ નક્કી નથી પણ તેમના પગલે શિવસેનાના ધારાસભ્યોમાં પણ ફાટફૂટ પડી છે. શિવસેનાએ ભાજપ પોતાના સાંસદોને તોડી રહ્યો હોવાના આક્ષેપો સંજય રાઉતે કર્યો છે. ભાજપે આ ખેલ પાડયો હોવાની રાઉતની વાત સાચી હોઈ શકે છે પણ સવાલ એ છે કે, ઉદ્ધવના સાંસદો વેચાવા માટે કેમ તૈયાર છે? ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી સાંસદો તૂટી રહ્યા છે કેમ કે તેમને ઉદ્ધવ ઠાકરેની સાથે પોતાનું રાજકીય ભાવિ સલામત નથી લાગી રહ્યું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી ઉદ્ધવ ઠાકરે સાવ નિષ્ક્રિય છે અને શિવસેનાને ફરી બેઠી કરવા માટે કશું નથી કરી રહ્યા. બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની એક ઈમેજ ઉભી કરી હતી અને એક રાજકીય તાકાત બનાવી હતી. ઉદ્ધવ ઠાકરે બાપાની જૂની મૂડી પર ટકી રહેવા માગે છે.

ઉદ્ધવ પાસે પોતાની કોઈ રાજકીય વિચારધારા નથી કે શવિસેનાને ફરી લોકપ્રિય બનાવવા માટેની કોઈ વ્યૂહરચના નથી. ઉદ્ધવ પોતાના દીકરા આદિત્યને રાજકીય વારસ બનાવવા માગે છે પણ આદિત્ય ઠાકરે પણ લાંબા સમયથી રાજકીય મોરચેથી ગાયબ છે તેથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો કારભાર સંજયભરોસે ચાલે છે. સંજય રાઉત જેવા ઉદ્ધવ ઠાકરેની ચમચાગીરી કરી ખાનાર મનફાવે એ રીતે વર્તે છે તેના કારણે શિવસેનાનું ધોવાણ ઝડપી બન્યું છે તેથી સૌને પોતાના રાજકીય અસ્તિત્વની ચિંતા થઈ રહી છે.

આ કારણે બધા ઉધ્ધવનો સાથ છોડી રહ્યા છે. ઉદ્ધવે આ ધોવાણ અટકાવવું હોય તો સતત સક્રિય રહેવું પડે, પોતાના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કરવો પડે, પ્રજા સાથે સંવાદ કરવો પડે.ઉદ્ધવે રાઉતને કશું કહ્યું નહીં એ જોતાં અત્યારે પણ એ કશું કહે એવી આશા ના રખાય ને આ જ વલણ શિવસેનાના સાંસદો કેમ ભાગી રહ્યા છે તેનો જવાબ છે. રાઉત જાહેરમાં આ રીતે વર્તતા હોય ને પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા છે એ સાંસદોને ગાળો દેતા હોય તો ખાનગીમાં તો તેમની સાથે કેવો વ્યવહાર કરતા હશે? ઉદ્ધવ રાઉતના બકવાસ સામે આંખ આડા કાન કરી રહ્યા છે તેના પરથી તો એવું લાગે કે, ઉદ્ધવની શિવસેનામાં આ જ પ્રકારનું કલ્ચર છે. આ કલ્ચરમાં ટકવું અઘરું છે તેથી સાંસદો કે ધારાસભ્યો ઉદ્ધવને છોડીને જાય તેમાં નવાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *