સપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવો

દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ…

દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે આગામી સમયમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને બહુ મોટો ઝટકો લાગવાનો છે. રાજભરે જણાવ્યું કે, ’પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ચર્ચા છોડી દો, યુપીમાં તો આખી શિવસેનાની જેમ સપાના કેટલાય દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાવા માટે લાઈન લગાવીને બેઠા છે.’ આ નિવેદન બાદ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે.

ઓમ પ્રકાશ રાજભરે સપા નેતૃત્વ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, જેમ-જેમ વિવિધ કૌભાંડોમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સકંજો કસાઈ રહ્યો છે, તેમ-તેમ સપાના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેમણે ખનન કૌભાંડ અને ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના કેસોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આખા ઉત્તર પ્રદેશને ખબર છે કે આ મામલાઓમાં કોણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. જ્યારે પણ આ તપાસ આગળ વધે છે, ત્યારે સપા નેતાઓની પરેશાની આપોઆપ વધી જાય છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે સપાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે.

બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનિલ સાજને રાજભરના આ નિવેદન પર આકરો પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઓ.પી. રાજભરની આદત માત્ર બકવાસ કરવાની જ છે અને તેઓ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે આવા પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. સપા પ્રવક્તાએ દાવો કર્યો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં સપાએ ભાજપને અડધી કરી દીધી હતી અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેમને યુપીમાંથી સાફ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *