ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4399 દિવસ પૂર્ણ, પંડિત જવાહરલાલ નેહરુની બરાબરી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નેહરુના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેના સતત 4,398 દિવસના 64 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરીને નવો ઈતિહાસ રચ્યો છે. તેમણે આજે સતત 4,399 દિવસ પૂર્ણ કર્યા છે.
પીએમ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણની અનેકવિધ ઉપલબ્ધિઓની ઉજવણીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન દેશના વિકાસ, ડિજિટલ ભારત, આત્મનિર્ભર ભારત અને ગરીબ કલ્યાણકારી યોજનાઓની સફળતાઓને રજૂ કરવામાં આવશે.
પંડિત નેહરુ 15 ઓગસ્ટ 1947થી 27 મે 1964 સુધી સતત વડાપ્રધાન તરીકે રહ્યા હતા. તેમના કાર્યકાળમાં આંકડો 4,398 દિવસનો હતો. વડાપ્રધાન મોદીએ 26 મે 2014થી અવિરત સેવા આપીને આ રેકોર્ડને સ્પર્શ્યો છે.
ગુજરાતના રાજકારણથી લઈને રાષ્ટ્રીય રાજનીતિ સુધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચર્ચામાં રહેતા નેતા છે. હવે 10 જૂને તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના કાર્યકાળના રેકોર્ડને પાછળ છોડીને લોકશાહી રીતે ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સતત પદ પર રહેનારા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જોકે, બંને નેતાઓની સરખામણી માત્ર કાર્યકાળના વર્ષો સુધી મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં નાગરિકોની ભૂમિકા અંગે તેમની વિચારસરણીમાં પણ મોટો તફાવત જોવા મળે છે.
પંડિત જવાહરલાલ નેહરુના શાસનકાળમાં વિકાસ માટે મુખ્યત્વે સંસ્થાઓ, નોકરશાહી (બ્યુરોક્રસી) અને રાજ્ય દ્વારા સંચાલિત આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો, કારણ કે ભારત તે સમયે નવું સ્વતંત્ર બનેલું રાષ્ટ્ર હતું. બીજી તરફ, વડાપ્રધાન મોદીના છેલ્લા 12 વર્ષના કાર્યકાળમાં “જન ભાગીદારી” પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનથી લઈને ડિજિટલ પેમેન્ટ, જળ સંરક્ષણ અને રસીકરણ અભિયાન સુધી, સરકાર દ્વારા વિવિધ યોજનાઓને જનઆંદોલનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિગમ “સબકા પ્રયાસ” એટલે કે સૌના પ્રયાસની વિચારધારા પર આધારિત છે.
જવાહરલાલ નેહરુના સમયમાં દેશના વિકાસને મુખ્યત્વે સરકારની જવાબદારી માનવામાં આવતો હતો. વિશ્વભરના નવા સ્વતંત્ર થયેલા દેશોની જેમ ભારતે પણ આર્થિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્રીય આયોજન અને રાજ્ય આધારિત વિકાસ મોડેલ અપનાવ્યો હતો.
વડાપ્રધાન મોદીનો અભિગમ આથી અલગ રહ્યો છે. તેમણે એવી લોકશાહી વ્યવસ્થાવાળું ભારત સંભાળ્યું હતું, જ્યાં સંસ્થાઓ કાર્યરત હતી, પરંતુ 140 કરોડથી વધુની વસ્તી ધરાવતા દેશમાં માત્ર સરકારી તંત્રના બળ પર સ્વચ્છતા, જળ સંરક્ષણ, ડિજિટલાઈઝેશન અને નાણાકીય સમાવેશ જેવા લક્ષ્યો હાંસલ કરવું મુશ્કેલ હતું. તેથી તેમની સરકારે નાગરિકોને માત્ર લાભાર્થી નહીં પરંતુ વિકાસ પ્રક્રિયાના ભાગીદાર બનાવવાનો પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાન મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણો, ’મન કી બાત’ કાર્યક્રમો અને વિવિધ સરકારી અભિયાનોમાં સતત એક વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે દેશનો વિકાસ માત્ર સરકારની જવાબદારી નથી. વર્ષ 2022ના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં તેમણે “સરકાર આધારિત વિકાસ”માંથી “નાગરિકો આધારિત વિકાસ” તરફ આગળ વધવાની જરૂૂરિયાત દર્શાવી હતી અને કહ્યું હતું કે દેશની આશાઓ માત્ર “જન ભાગીદારી”થી જ પૂર્ણ થઈ શકે છે.
સ્વચ્છ ભારત અભિયાન અંગે પણ તેમણે વારંવાર જણાવ્યું છે કે સ્વચ્છતા માત્ર સરકારી યોજના નથી, પરંતુ એક “જન આંદોલન” છે. ત્યારબાદ જળ સંરક્ષણ, કોરોના દરમિયાન યોગ્ય વર્તન, સ્થાનિક ઉત્પાદન, યોગ અને હર ઘર તિરંગા અભિયાનમાં પણ આવી જ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
છેલ્લા એક દાયકામાં “જન ભાગીદારી” શબ્દ સરકારની અનેક યોજનાઓમાં કેન્દ્રસ્થાને રહ્યો છે. “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ” સૂત્ર દ્વારા નાગરિકોને માત્ર સરકારી યોજનાઓના લાભાર્થી તરીકે નહીં પરંતુ રાષ્ટ્રીય મિશનોના સક્રિય સહભાગી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સૌથી વધુ સમય વડાપ્રધાન રહેવાનો પંડિત નેહરુનો 16 વર્ષ 286 દિવસનો રેકોર્ડ
ભારતના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય રહેવાનો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ હજુ અકબંધ છે. તેમણે 15 ઓગસ્ટ 1947 થી લઈને તેમના મૃત્યુ (27 મે 1964) સુધી સળંગ 16 વર્ષ અને 286 દિવસ સુધી વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું છે. ભારતની આઝાદી વચ્ચે રચાયેલ મધ્યસ્થ સરકારમાં તેઓ 15 ઓગસ્ટ 1947 થી 13 મે 1952 સુધી વડાપ્રધાન રહ્યાં હતાં અને બાદમાં 1952, 1957 અને 1962ની ચૂંટણીઓમાં ત્રણ વખત ચુંટાઈને 27 મે 1964નાં રોજ તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતાં.
