દેશના રાજકારણમાં આજે એક મોટો દિવસ છે. નવી દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે વિપક્ષી ગઠબંધન ’ઇન્ડિયા એલાયન્સ’ની એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકનો મુખ્ય હેતુ દેશની વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા કરવાનો અને કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે આગામી 2029ની લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવાનો છે. વિપક્ષી એકતાને વધુ મજબૂત કરવા માટે આ બેઠક ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો કે, તે પૂર્વે ઇન્ડીયા ગઠબંધનમાં ભંગાણ સ્પષ્ટ બન્યું છે અને કેટલાક પક્ષોએ ગઠબંધનથી છેડો ફાડયો છે તો તમિલનાડુમાં સતાધિકારી અભિનેતા વિજયની પાર્ટીની ગઠબંધનમાં એન્ટ્રી થઇ છે.
જોકે, એક ચોંકાવનારા સમાચાર એ પણ છે કે ગઠબંધનનો મહત્વનો હિસ્સો મનાતી તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની પાર્ટી DMK એ આ બેઠકથી દૂરી બનાવી લીધી છે અને તેઓ આમાં હાજરી નહીં આપે. જયારે આમ આદમી પાર્ટીએ ઇન્ડીયા ગઠબંધનથી છોડો ફાડવાની જાહેરાત કરી છે.
દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે INDIA બ્લોકની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, સાંસદ અભિષેક બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓ પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાયા છે. મહારાષ્ટ્રના બારામતીમાં NCP-SCPના વડા શરદ પવારે કહ્યું કે આ સમયે બ્લોકના તમામ પક્ષોને એકજુથ રાખવા ખૂબ જ જરૂૂરી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે સોમવારે જણાવ્યું હતું કે વિપક્ષી દળોના ઈન્ડીયા ગઠબંધનને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તમામ સાથી પક્ષોને એકજુથ રાખવા એ સમયની જરૂૂરિયાત છે.આ બેઠક પહેલા જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે એક મોટો રાજકીય ધડાકો કર્યો છે.
સંજય સિંહે સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપ્યું છે કે આમ આદમી પાર્ટી હવે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો નથી.રાયપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે જ્યારે સંજય સિંહને દિલ્હીની બેઠક વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સીધો જ જવાબ આપતા કહ્યું કે, “આમ આદમી પાર્ટી હવે ઇન્ડિયા ગઠબંધનની સભ્ય નથી. તેથી જો અમે તેમની બેઠક કે તેમના કામકાજ પર કોઈ ટિપ્પણી કરીએ તો તે સારું નહીં લાગે. ગઠબંધન ભવિષ્ય માટે કેવી રણનીતિ બનાવશે તે અંગે તેઓ જ તમને વધુ સારી રીતે જણાવી શકશે.”
