CBSEના ભવાડાના કારણે છાત્ર ડિપ્રેશનમાં સરી પડયો

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) ની બેદરકારીનો એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને કોઈપણ વાલી ધ્રુજી ઉઠે. દિલ્હીમાં રહેતા ધોરણ 12…

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) ની બેદરકારીનો એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને કોઈપણ વાલી ધ્રુજી ઉઠે. દિલ્હીમાં રહેતા ધોરણ 12 ના વિદ્યાર્થી તનિષ્કને પરીક્ષામાં 81% માર્ક્સ આવ્યા હોવા છતાં, બોર્ડ દ્વારા તેને એકદમ બ્લેન્ક એટલે કે સાવ કોરી માર્કશીટ ઈશ્યૂ કરી દેવામાં આવી હતી! જ્યારે ધોરણ 12 નું પરિણામ જાહેર થયું ત્યારે તનિષ્કની માર્કશીટ જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા, કારણ કે તેમાં માર્ક્સની જગ્યાએ કંઈ લખેલું જ ન હતું. બોર્ડની આ ગંભીર ભૂલના કારણે વિદ્યાર્થી અને તેનો પરિવાર છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવનો સામનો કરી રહ્યો છે.

ભોગ બનનાર વિદ્યાર્થી તનિષ્કના પિતા સચિને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ‘પરિણામ જોઈને અમે સ્તબ્ધ થઈ ગયા હતા. ભૂલ સુધારવા માટે અમે સતત એક અઠવાડિયા સુધી સ્કૂલના ધક્કા ખાધા. એટલું જ નહીં, અમારે સીબીએસઈ (CBSE) ની મુખ્ય ઓફિસે પણ અસંખ્ય ચક્કર કાપવા પડ્યા હતા.’ કમનસીબીની વાત એ છે કે, શરૂઆતના ઘણા દિવસો સુધી બોર્ડના કોઈ સત્તાધીશોએ તેમની વાત ન સાંભળી અને યોગ્ય જવાબ આપવાની જગ્યાએ માત્ર અહીંથી ત્યાં દોડાવતા રહ્યા હતા.

લાંબી દોડધામ અને રજૂઆતો બાદ આશરે એક અઠવાડિયા પછી બોર્ડ દ્વારા કોઈક રીતે સાચું પરિણામ ડિજિટલી અપડેટ કરવામાં આવ્યું ખરું, પરંતુ તેમાં તનિષ્કના માર્ક્સ ધારણા કરતાં ઘણા ઓછા આવ્યા હતા. તનિષ્કને પોતાના પેપર્સ પર પૂરો ભરોસો હોવાથી તેણે તમામ 6 વિષયોની આન્સર-શીટની સ્કેન કોપી માટે ઓનલાઈન અરજી કરી હતી.

પરંતુ અહીં પણ CBSE નો નવો છબરડો સામે આવ્યો! તનિષ્કે 6 વિષયની કોપી માંગી હતી, જેની સામે બોર્ડ દ્વારા તેને માત્ર 5 વિષયની જ સ્કેન કોપી મોકલવામાં આવી. એક મહત્વના વિષયની કોપી ન મળવાના કારણે હવે પરિવારને રિ-ઇવેલ્યુએશન (ફરીથી મૂલ્યાંકન) ની સત્તાવાર પ્રક્રિયા કરવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

6 જૂનના રોજ બોર્ડની રી-ઇવેલ્યુએશન પ્રોસેસ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે. સમય મર્યાદા પૂરી થવા આવી હોવા છતાં હજુ સુધી બોર્ડ તરફથી ખૂટતા વિષયની કોપી મળી નથી કે પ્રક્રિયા પૂરી થઈ શકી નથી. કરિયરના આ મહત્વના વળાંકે બોર્ડના ધાંધિયાના કારણે વિદ્યાર્થી તનિષ્ક ડિપ્રેશનમાં સરી પડ્યો છે.
તેના પિતા સચિને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું મારા દીકરાને સતત કાઉન્સિલિંગ આપી રહ્યો છું અને તેને સમજાવી રહ્યો છું. આખો પરિવાર તેની સાથે મજબૂતાઈથી ઉભો છે, પરંતુ તેમ છતાં તે સતત એક જ સવાલ પૂછી રહ્યો છે કે, તેની જિંદગી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે?’ હાલ તો વાલી ગમે તે ભોગે પોતાના દીકરાના તમામ પેપર્સનું રી-ચેકિંગ સમયસર પૂરું થાય તે માટે રાત-દિવસ એક કરી રહ્યા છે, પરંતુ બોર્ડના આવા વલણ સામે વાલીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *