મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેના નિધનને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનાં વધુ એક ગાયિકા સુમન કલ્યાણપુરે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. સુમન કલ્યાણપુર 89 વર્ષનાં હતાં અને લાંબા સમયથી ફિલ્મ દુનિયાથી દૂર હતાં પણ 1960 અને 1970ના દાયકામાં ગાયેલાં ગીતોના કારણે આગવી છાપ છોડી ગયેલાં. સુમન કલ્યાણપુરે સંખ્યાબંધ ગુજરાતી ગીતો પણ ગાયાં છે. ગુજરાતી સંગીત સમ્રાટ અવિનાશ વ્યાસે સુમનજી પાસે ઘણાં ગીતો ગવડાવ્યાં. જોબનિયું આજે આવ્યું ને કાલે જાશે કે પાણી ગ્યાતા રે બેની અમે તલાવડે જેવાં અમર ગુજરાતી ગીતો સુમનજીએ ગાયેલાં છે. નયન ને નયન મળે જ્યાં, રામ રાખે તેમ રહીએ, થોભી જા થોભી જા સહિતનાં ઘણાં ગુજરાતી ગીતો સુમનજીના સ્વરમાં છે.
સુમનજીએ ફિલ્મી ગીતો ઉપરાંત ભક્તિ સંગીત, ગઝલ અને હુમરીઓ પણ ગાઈ પણ તેમની મુખ્ય ઓળખ હિંદી અને મરાઠીનાં સફળ ગાયિકા તરીકેની વધારે રહી. મરાઠીમાં ‘કેતકીચ્યા બની તિથે’, ’સાંગ કધી કળનાર તુલા’ અને લિંબોણીચ્યા ઝાડામાગે’ સહિતનાં તેમનાં ગીતો અમર થઈ ગયાં છે સુમનજી માટે શ્રેષ્ઠ સમય 1960નો દાયકો હતો. ભારતના બે મહાનતમ પાર્શ્વગાયકો મોહમ્મદ રફી અને લતા મંગેશકર વચ્ચે 1960ના દાયકામાં રોયલ્ટીના મુદ્દે અણબનાવ થયો પછી લતાએ મોહમ્મદ રફી સાથે ગાવાનું બંધ કરી દીધેલું. લતા-રફીના ઝગડાને કારણે સંગીતને નુકસાન થયું એવું સૌ કહે છે પણ સુમન કલ્યાણપુરને ફાયદો થયો. મોહમ્મદ રફી એ વખતે પાર્શ્વગાયનમાં શિખર પર હતા.
શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર સહિતના લોકપ્રિય હીરો રફીનો જ અવાજ પસંદ કરતા તેથી શંકર-જયકિશન, નૌશાદ સહિતના સંગીતકારો રફીને પડતા મૂકી શકે તેમ નહોતા. સુમન કલ્યાણપુરને રફી સાથે સૌથી વધારે તક શંકર-જયકિશને આપી. આજકાલ તેરે મેરે પ્યાર કે ચર્ચે (બ્રહ્મચારી), તુમને પુકારા ઔર હમ ચલે આયે (રાજકુમાર), દિલ એક મંદિર હૈ (દિલ એક મંદિર), તુઝે પ્યાર કરતે હૈં કરતે રહેંગેં (એપ્રિલ ફૂલ), ઈતના હૈ તુમ સે પ્યાર મુઝે ઓ મેરે જાનેજાં (સૂરજ), તુમ સે ઓ હસીના કભી મોહબ્બત ના મૈંને કરની થી (ફઝ), અજહુ ન આયે બાલમા સાવન બિતા જાયે ( સાંજ ઔર સવેરા) જેવાં અમર ડ્યુએટ્સ શંકર-જયકિશનની દેન છે.
લતા મંગેશકરના અવાજ સાથે જલદી ઓળખી ના શકાય એવી સામ્યતાના કારણે સુમન કલ્યાણપુરને ફાયદો થયો કે નુકસાન તેનું મૂલ્યાંકન ઈતિહાસ કરશે પણ સુમનજી અવાજમાં સામ્યતા છતાં લતાજીથી અલગ ઓળખ બનાવી ગયાં, પોતાની આગવી છાપ છોડી ગયાં તેમાં બેમત નથી. આ છાપ એવી અમિટ છે કે સંગીત રહેશે ત્યાં સુધી સુમન કલ્યાણપુરને યાદ રખાશે.
