દુનિયામાં મોટાભાગના લોકો લખતા હોય, જમતા હોય, મોબાઈલ ચલાવતા હોય કે બોલ ફેંકતા હોય – લગભગ દરેક કામ માટે જમણા હાથનો જ વધુ ઉપયોગ કરે છે. કદાચ તમે પણ ક્યારેય વિચાર્યું હશે કે આખરે આવું કેમ? શું માત્ર આદત છે કે તેની પાછળ કોઈ મોટું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે?હવે આ સવાલનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધવાનો દાવો કર્યો છે. નવા રિસર્ચ અનુસાર, મનુષ્યોમાં રાઇટ-હેન્ડેડ હોવું માત્ર એક સામાન્ય ટેવ નથી, પરંતુ લાખો વર્ષના માનવ વિકાસ સાથે જોડાયેલું રહસ્ય છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં મોટો ખુલાસો University of Oxford અને University of Readingના વૈજ્ઞાનિકોએ મળીને કરેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે મનુષ્યોનું રાઇટ-હેન્ડેડ હોવું તેમના મગજના વિકાસ અને બે પગ પર સીધા ચાલવાની પ્રક્રિયા સાથે સીધું જોડાયેલું હોઈ શકે છે. આ સ્ટડી જાણીતી વૈજ્ઞાનિક જર્નલ PLOS Biologyમાં પ્રકાશિત થઈ છે. સંશોધકોનું કહેવું છે કે માણસોમાં જમણા હાથની પ્રધાનતા કુદરતી ઉત્ક્રાંતિનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે.
41 પ્રજાતિઓ પર થયો અભ્યાસઆ રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ 41 અલગ-અલગ પ્રજાતિના 2 હજારથી વધુ વાંદરા, ચિમ્પાન્ઝી અને અન્ય પ્રાઈમેટ્સના વર્તનનો અભ્યાસ કર્યો. સંશોધકો જાણવા માગતા હતા કે હાથના ઉપયોગ પાછળ કયા જૈવિક અને ઉત્ક્રાંતિ સંબંધિત કારણો જવાબદાર છે. રસપ્રદ વાત એ સામે આવી કે મોટાભાગના વાંદરા અને પ્રાઈમેટ્સ કોઈ એક હાથ પર સંપૂર્ણપણે નિર્ભર નથી હોતા. તેઓ ડાબા અને જમણા – બન્ને હાથનો લગભગ સરખો ઉપયોગ કરે છે. જ્યારે મનુષ્યોમાં જમણા હાથ તરફનો ઝુકાવ ખૂબ જ મજબૂત જોવા મળ્યો.
મનુષ્યોનો સ્કોર જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંક્યાવૈજ્ઞાનિકોએ ’મીન હેન્ડેડનેસ ઈન્ડેક્સ’ નામની પદ્ધતિથી હાથના ઉપયોગનું વિશ્ર્લેષણ કર્યું. તેમાં મનુષ્યોનો સ્કોર 0.76 રહ્યો, જ્યારે અન્ય પ્રાઈમેટ્સનો સ્કોર લગભગ શૂન્યની આસપાસ હતો. સરળ ભાષામાં કહીએ તો – મનુષ્યોમાં રાઇટ-હેન્ડેડ હોવાની સંભાવના બાકીની પ્રજાતિઓ કરતાં ઘણી વધારે છે.
રિસર્ચ મુજબ, સૌથી મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે આદિમાનવે ચાર પગે ચાલવાને બદલે બે પગ પર સીધું ચાલવાનું શરૂૂ કર્યું. જ્યારે મનુષ્યો સીધા ઊભા રહીને ચાલવા લાગ્યા, ત્યારે હાથ શરીરનું વજન સંભાળવાની ફરજમાંથી “ફ્રી” થઈ ગયા. ત્યારબાદ મનુષ્યોએ હાથનો ઉપયોગ હથિયારો બનાવવા, વસ્તુઓ પકડવા, શિકાર કરવા અને જટિલ કામો માટે શરૂૂ કર્યો. ધીમે-ધીમે હાથનું નિયંત્રણ વધુ મજબૂત બનતું ગયું અને મગજ સાથેનું કો-ઓર્ડિનેશન પણ વધ્યું. આ જ પ્રક્રિયાએ આગળ જઈને જમણા હાથની પ્રધાનતા ઉભી કરી.
