87 પરીક્ષાઓ રદ થઈ, CBIએ 17 અને EDએ 11 કેસમાં તપાસ કરી પણ પરિણામ શૂન્ય, રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET પેપર લીક પર કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ વર્ષ 2015 થી 2026 સુધી 148 પરીક્ષા કૌભાંડો, 87 રદ થયેલી પરીક્ષાઓ અને 9 કરોડ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને તેમણે કેન્દ્ર સરકારની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓની ન્યાયની ખાતરી આપી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલી એક પોસ્ટમાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, 2015 થી 2026 સુધી 148 પરીક્ષા કૌભાંડો થયા છે. 87 પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને 9 કરોડ બાળકોના ભવિષ્ય પર અસર પડી છે. છતાં 148 કૌભાંડોમાં ફક્ત એક જ વ્યક્તિને સજા મળી છે.
પરીક્ષા કૌભાંડના આંકડા ટાંકીને તેમણે કહ્યું કે, “આંકડા જુઓ: 2015 થી 2026 સુધી 148 પરીક્ષા કૌભાંડો થયા. 87 પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી અને 90 મિલિયન બાળકોના ભવિષ્યને અસર થઈ હતી. 148 કૌભાંડોમાંથી ફક્ત એક જ વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો છે. CBI એ 17 કેસ હાથ ધર્યા હતા
અને ED એ 11 કેસ હાથ ધર્યા હતા. પરંતુ કોઈને દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો.”
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, NEET, AIPMT અને અન્ય મેડિકલ પરીક્ષાઓમાં 15 કૌભાંડો થયા હતા. તેમણે કહ્યું કે સૌથી શરમજનક બાબત એ છે કે, આ કૌભાંડો માટે જવાબદાર એકપણ અધિકારી કે મંત્રીએ રાજીનામું આપ્યું નથી. તેમને દૂર કરવામાં આવે છે. પછી ગુપ્ત રીતે ઉચ્ચ હોદ્દા પર પુન: સ્થાપિત કરવામાં આવે છે. જે લોકો છેતરપિંડીને સરળ બનાવે છે તેમને પુરસ્કાર આપવામાં આવે છે. જ્યારે પરીક્ષા આપતા બાળકો પોતાનો જીવ ગુમાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “તમારી જવાબદારી જાગૃત કરવા માટે તમારે કેટલા ઋત્વિક મિશ્રાની જરૂૂર છે? મારા યુવા મિત્રો, તમારી પીડા મારી પીડા છે. તમારી મહેનત મારી મહેનત છે. જેમણે તમારું ભવિષ્ય ચોરી લીધું છે. તેમણે જવાબ આપવો પડશે. ગમે તેટલો સમય લાગે, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. આ મારું વચન છે. આપણે આ લડાઈ સાથે મળીને લડીશું અને આપણે જીતીશું.”
NEET રદ થયા બાદ બે પરીક્ષાર્થીઓની આત્મહત્યા
NEET -UG પરીક્ષા રદ થવાથી દુ:ખી બે પરીક્ષાર્થીઓએ આત્મહત્યા કરી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મહિલા વિદ્યાર્થીએ પોતાનો જીવ લીધો, જ્યારે રાજસ્થાનના સીકરમાં એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી. અહેવાલો અનુસાર, અંશિકા પાંડે (20) તેના પરિવાર સાથે નવી દિલ્હીના લાલબાગ વિસ્તારમાં આવેલા આદર્શ નગરમાં રહેતી હતી. 3 મેના રોજ, તેણી ત્રીજી વખત NEET પરીક્ષા આપી હતી. ગુરુવારે રાત્રે, તેણીએ તેના રૂૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. રાજસ્થાનના સીકરમાં, પ્રદીપ મેઘવાલ નામના વિદ્યાર્થીએ કથિત રીતે ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તે મૂળ ઝુનઝુનુના કનિકા કી ધાની ગામનો હતો અને ત્રણ વર્ષથી તેની બહેનો સાથે સીકરના જલધારી નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને NEET કોચિંગ ક્લાસમાં ભણતો હતો. ઘટના સમયે, તેની એક બહેન તેના કોચિંગ ક્લાસમાં ગઈ હતી.
