મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દૌંડ તાલુકાના દેઉલગાંવ રાજે ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની જ 9 વર્ષની દીકરીની હત્યા કરી દીધી. આરોપીની ઓળખ શાંતારામ ચવ્હાણ તરીકે થઈ છે, જેણે કથિત રીતે ગુસ્સામાં આવીને પોતાની દીકરીની હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ લાકડા કાપવાના કટરથી બાળકીના ગળા પર વાર કર્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે તેણે મૃતદેહને કપડામાં લપેટીને આગ લગાડી દીધી હતી.
દૌંડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી બાળકીનો આંશિક રીતે બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટના પાછળનું કારણ એક નજીવો વિવાદ હતો, જે શાળાના રિઝલ્ટને લઈને શરૂૂ થયો હતો. થોડા દિવસો પહેલા અનામિકા અને અન્ય એક બાળક સંસ્કારનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સંસ્કારને પ્રથમ સ્થાન મળ્યું હતું, જ્યારે અનામિકા બીજા સ્થાને રહી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રિઝલ્ટ પછી સંસ્કારે અનામિકાને ચીડાવી હતી, જેનાથી તે દુ:ખી થઈ હતી. ત્યારબાદ અનામિકાએ કથિત રીતે પોતાની માર્કશીટમાં ફેરફાર કરીને પોતાને પ્રથમ સ્થાને અને સંસ્કારને બીજા સ્થાને બતાવી દીધી હતી. આ વાતને લઈને આરોપી પિતા શાંતારામ ચવ્હાણ ગુસ્સે થઈ ગયો અને તેણે આ જઘન્ય હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
પોલીસનું કહેવું છે કે, આરોપીએ આવેશમાં આવીને બાળકીની હત્યા કરી અને પછી પુરાવાનો નાશ પ્રયાસ કર્યો હતો. આરોપીની પત્ની સામે પણ ગુનો નોંધ્યો છે. તેના પર આરોપ છે કે, તેણે ઘટનાની જાણ હોવા છતાં પોલીસને તેની માહિતી આપી નહોતી. હાલ પોલીસે બંનેની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ગોપાલ પવારે જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની જ દીકરીની હત્યા ગળા પર કટરથી વાર કરીને કરી હતી અને બાદમાં મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, પોલીસને સ્થળ પરથી આંશિક રીતે સળગેલો મૃતદેહ મળ્યો છે અને કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
