મહિલા પહેલવાન વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને એક મોટો ખુલાસો કર્યો છે અને મહિલા પહેલવાનો સાથે થયેલા કથિત ઉત્પીડન અંગે મોટું નિવેદન આપ્યું છે. ઓલિમ્પિયન પહેલવાને પહેલીવાર સાર્વજનિક રીતે સ્વીકાર્યું છે કે, તે એ 6 મહિલા ખેલાડીઓમાં સામેલ છે, જેમણે ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.
વિનેશ ફોગાટે કહ્યું કે, તે અત્યાર સુધી પોતાની ઓળખ જાહેર કરવા માગતી નહોતી, કારણ કે અત્યારે મામલો કોર્ટમાં છે. સાથે જ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો પીડિતોની ઓળખ ગોપનીય રાખવાની વાત કરે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓ ખાસ કરીને તેની વાપસીમાં થઈ રહેલી મુશ્કેલીઓએ તેને આ પગલું ભરવા માટે મજબૂર કરી છે.
વાયરલ વીડિયોમાં વિનેશ ફોગાટે કહ્યું છે કે, “સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર, કોઈપણ પીડિતની ઓળખ જાહેર થવી જોઈએ નહીં, કારણ કે તે તેમની ગરિમા અને સન્માન સાથે જોડાયેલો મામલો છે, પરંતુ આજે કેટલાક સંજોગોને કારણે હું આપ સૌને કંઈક કહેવા માગું છું. જ્યાં સુધી મામલો પેન્ડિંગ છે, હું બોલવા માગતી નહોતી, પરંતુ હું એ કહેવા માગું છું કે, હું પોતે તે 6 પીડિતોમાંની એક છું, જેમણે ફરિયાદ નોંધાવી છે અને અમારી જુબાનીઓ હજુ પણ ચાલુ છે.”
તમને જણાવી દઈએ કે, વિનેશ એ અગ્રણી પહેલવાનોમાં હતી, જેમણે 2023માં નવી દિલ્હીમાં બ્રિજભૂષણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેણે કહ્યું હતું કે, “એક મહિલા માટે આવી સ્થિતિમાં કોમ્પિટિશન કરવી ખૂબ મુશ્કેલ છે અને દરેક એથલીટ જેણે આવી સ્થિતિનો સામનો કર્યો છે, તે આની સાથે સહમત થશે.” વિનેશ દ્વારા ઠઋઈં તેની મેટ પર વાપસીમાં અવરોધ ઉભો કરવાની આશંકા વ્યક્ત કરી છે. તેણે એ વાત પર ભાર મૂક્યો કે, આગામી ટ્રાયલ્સ ઉત્તર પ્રદેશના ગોંડામાં થશે. તેણે જણાવ્યું કે, આ ટ્રાયલ્સ બ્રિજભૂષણની માલિકીની એક ખાનગી કોલેજમાં થશે અને આરોપ લગાવ્યો કે પરિણામો પર ઘણી અસર પડશે. તેણે કહ્યું કે, “તેમની પોતાની ખાનગી કોલેજ છે અને આ સ્પર્ધા ત્યાં જ આયોજિત કરવામાં આવી રહી છે. એ ખૂબ જ અશક્ય છે કે ત્યાં દરેક મહેનતુ એથલીટને તેનો હક મળશે.”
