ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક લગ્ન સમારંભમાં વાગી રહેલા ફુલ ડીજેના દેકારાથી પોલ્ટ્રી ફાર્મમાં 140 મરઘીઓના મોત થઈ ગયા. આ ઘટના બલ્દીરાય વિસ્તારના દરિયાપુર ગામમાં 25 એપ્રિલની રાતે થઈ હતી. પોલ્ટ્રી ફાર્મ સંચાલકે ડીજે ઓપરેટર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર વિસ્તારમાં આ મામલાને લઈને ચર્ચા થઈ રહી છે.
કહેવાય છે કે 25 એપ્રિલના રોજ દરિયાપુરના રહેવાસી બબ્બન વિશ્વકર્માની દીકરીના લગ્ન હતા. જાન કુડવારના રામભદ્ર પુરવાથી આવી હતી. આરોપ છે કે જાનમાં ડીજે પણ લાવ્યા હતા. આ ડીજેનો અવાજ એટલો વધારે હતો કે કાન પડ્યું કંઈ સંભળાય નહીં. બાદમાં આ ડીજે જાન સાથે સાબિર અલીના પોલ્ટ્રી ફાર્મ પાસેથી પસાર થઈ, જ્યાં ફુલ અવાજથી મરઘીના વાડામાં અફરાતફરી મચી ગઈ.
પોલ્ટ્રી ફાર્મના સંચાલક સાબિર અલીનું કહેવું છે કે રાતના લગભગ 9.30 કલાકે ડીજેના કાનફાડું અવાજના કારણે ફાર્મમાં રહેલી 140 મરઘીઓએ દમ તોડી દીધો. સાબિરનું કહેવું છે કે દેકારો એટલો હતો કે મરઘીઓ ડરી ગઈ. તેના કારણે તેમના મોત થઈ ગયા. ઘટના બાદ પીડિત પોલ્ટ્રી ફાર્મ સંચાલકે બલ્દીરાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા ડીજે સંચાલક પરસીપુર કુડવાર રહેવાસી કવિ યાદવ વિરુદ્ધ સંબંધિત ધારાઓમાં ફરિયાદ નોંધી લીધી છે.બલ્દીરાય પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ઉપનિરીક્ષક એમડી તાહુર ખાનને સોંપવામાં આવી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે શું ડીજે નિર્ધારિત ધ્વનિ માપદંડોથી વધારે દેકારો કરી રહ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે તેજ ધ્વનિ તરંગોના કારણે પક્ષીઓ અને જાનવરોને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જે આ મામલામાં મરઘીઓના મોતનું કારણ હોઈ શકે છે.
