ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય વિશે ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે વિવિધ આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. હવે યાદશક્તિમાં ઘટાડો અને મગજ સંબંધિત સમસ્યાઓને કારણે તેની સ્થિતિ ગંભીર બની શકે છે, જેને કારણે ચાહકો અને મિત્રો બંનેમાં ચિંતા વધતી જાય છે.
વિનોદ કાંબલી લાંબા સમયથી આરોગ્યની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. થોડા મહિના પહેલા તેના ક્રિકેટર મિત્રો અને રાજ્ય સરકારની મદદથી તેની સારવાર કરવામાં આવી હતી, જેના કારણે તેના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ તાજેતરમાં મળેલી માહિતી મુજબ તેની સ્થિતિ ફરી નબળી પડી રહી છે. ખાસ કરીને તેની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે દવાઓ લેવાનું પણ ઘણીવાર ભૂલી જાય છે, જે તેની સારવાર માટે મોટી અડચણ બની રહી છે.
આ સ્થિતિને કારણે તેના સ્વાસ્થ્ય પર વધુ ગંભીર અસર પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ક્રિકેટર મિત્રો ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. તેની સારવાર માટે નાણાં એકત્રિત કરવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સચિન તેંડુલકર સહિતના નજીકના મિત્રો જોડાયા હોવાના અહેવાલ છે. કાંબલીના મિત્રોએ જણાવ્યું કે તેણે દારૂૂ પીવાનું બંધ કર્યું છે, પરંતુ તે ઘણી બાબતો ભૂલી જાય છે. ક્યારેક તે ભૂલી જાય છે કે તેને ધુમ્રપાન નથી કરવાનું અને રસ્તા પર લોકો પાસેથી સિગારેટ માંગતો જોવા મળે છે, જે તેની હાલતનું ગંભીરની નિશાની છે. હાલમાં કાંબલીની કિડની, હૃદય અને લીવર પર કોઈ ગંભીર અસર નથી, પરંતુ મગજ પર પડતી અસરને કારણે તેના શરીરનું સંતુલન બગડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં યોગ્ય સારવાર અને સતત દેખરેખ ખૂબ જરૂૂરી બની ગઈ છે.
