રાષ્ટ્રીય
લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત બગડી છે. તેમને આજે એટલે કે શનિવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એપોલોના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત હાલ સ્થિર છે. મેડિકલ બુલેટિન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં આ ચોથી વખત છે જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પહેલા તેમને 3 જુલાઈએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા 26 જૂને તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુરોલોજી વિભાગના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે તેની નાની સર્જરી કરવામાં આવી. થોડા સમય બાદ તેને રજા આપવામાં આવી હતી.
લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 માર્ચે તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમને ‘ભારત રત્ન’ એનાયત કર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને હાજર હતા. 2015માં પદ્મ વિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વાજપેયી સરકારમાં અડવાણી નાયબ વડાપ્રધાન હતા. તેઓ દેશના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.
રાષ્ટ્રીય
‘મોદી સરકાર દેશના યુવાનોના અંગૂઠા કાપવામાં વ્યસ્ત છે..’ રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહાર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગૃહમાં બંધારણ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં દ્રોણાચાર્ય અને એકલવ્યનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જે રીતે દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, તેવી જ રીતે તમે ભારતના યુવાનોનો અંગૂઠો કાપો છો. જ્યારે તમે ધારાવીને અદાણીને વેચો છો, ત્યારે તમે ધારાવીના લોકોનો અંગૂઠો કાપો છો. જ્યારે તમે અદાણીને મદદ કરો છો, ત્યારે તમે દેશના લોકોને અંગૂઠો કાપો છો. રાહુલ ગાંધીએ કહ્યું, અમે બતાવવા માંગીએ છીએ કે તમે દેશમાં જાતિ ગણતરી દ્વારા કોનો અંગૂઠો કાપ્યો છે. અમે આરક્ષણ મર્યાદાની 50 ટકા દિવાલને પણ તોડી પાડીશું.
રાહુલ ગાંધીએ હાથરસનો મુદ્દો ઉઠાવ્યો હતો. હાથરસ રેપ કેસને લઈને યુપીની યોગી સરકાર પણ રાહુલના નિશાના પર હતી. રાહુલે કહ્યું કે, હાથરસમાં ચાર વર્ષ પહેલા એક દલિત છોકરી પર બળાત્કાર થયો હતો. ગુનેગારો બહાર ફરતા હોય છે જ્યારે પીડિત પરિવાર જેલવાસની જીંદગી જીવે છે આ બંધારણમાં ક્યાં લખ્યું છે? મનુસ્મૃતિ યુપીમાં લાગુ છે, બંધારણ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણમાં આંબેડકર અને ગાંધી નેહરુના વિચારો છે. તે વિચારોના સ્ત્રોત શિવ, બુદ્ધ, મહાવીર, કબીર વગેરે હતા. તેમણે કહ્યું કે, બંધારણ વિશે સાવરકરે કહ્યું હતું કે બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. તેની જગ્યાએ મનુસ્મૃતિ લાગુ થવી જોઈએ જ્યારે તમે બંધારણ બચાવવાની વાત કરો છો ત્યારે તમે તમારા નેતા સાવરકરની મજાક ઉડાવો છો.
રાષ્ટ્રીય
શંભુ બોર્ડર પર અથડામણ, પોલીસે ખેડૂતો પર છોડ્યા ટીયર ગેસના શેલ
ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી શંભુ બોર્ડર પર તેમની કેટલીક માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન આજે ફરી એકવાર ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતો આગળ વધતાં પોલીસે તેમને રોકવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરે તે પહેલા જ શંભુ બોર્ડર અને તેની આસપાસના 12 ગામોની ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
ખેડૂત નેતા સર્વન સિંહ પઢેરે કહ્યું કે આંદોલન શરૂ થયાને 306 દિવસ થઈ ગયા છે અને જગજીત સિંહ દલ્લેવાલના આમરણાંત ઉપવાસને 18 દિવસ થઈ ગયા છે. જગજીત સિંહ દલ્લેવાલની તબિયત સતત બગડી રહી છે.
શંભુ બોર્ડર અને તેની આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ થવા પર પઢેરે કહ્યું કે સરકાર અમારા પર ડિજિટલ ઈમરજન્સી લાદવાની તૈયારી કરી રહી છે. અમારા સોશિયલ મીડિયા પેજ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારા અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે દર વખતે હરિયાણા પોલીસ દ્વારા અમારા જૂથ સામે કાર્યવાહી કરવામાં આવે છે જે દિલ્હી તરફ આગળ વધે છે. ખેડૂતો પર હુમલા થઈ રહ્યા છે અને તેના કારણે સરકાર ખુલ્લી પડી રહી છે. અમારો સંદેશ દેશના દરેક ગામ સુધી પહોંચી રહ્યો છે. આ કારણે હચમચી ગયેલી સરકાર અમારી સામે આવાં પગલાં લઈ રહી છે.
ખેડૂત નેતા પઢેરે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સારી વાત કહી છે કે સરકારે અમારી સાથે સીધી વાત કરવી જોઈએ. ખેડૂતો પર બળપ્રયોગ કરશો નહીં. અમે બંને ફોરમમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ પર ચર્ચા કરીશું અને નિવેદન આપીશું, પરંતુ સરકાર આ ટિપ્પણીઓ પર શું કરે છે તે જોવું રહ્યું.
ખેડૂતોના આંદોલનને લઈને ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂતોના આંદોલનનો અંત લાવવા માંગ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે કહ્યું કે અમે એવો કોઈ આદેશ આપવાના નથી જેનાથી ખેડૂતોના આંદોલનને અસર થાય. તેઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે.
ગુજરાત
9%થી વધુ વિકાસ દર નોંધાવનારા 17 રાજ્યોમાં ગુજરાત સામેલ
ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટકે ટેક્નિકલ અને ઓદ્યોગીક વિકાસમાં મેદાન માર્યું, કેરળ-રાજસ્થાન-ગોવા પ્રવાસન ક્ષેત્રે આગળ
‘બીજા કવાર્ટરમાં દેશનો વિકાસ દર 5.4% રહ્યો, પણ 25 રાજ્યોનો દેખાવ ખૂબ સારો’
બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી ભલે ઘટીને 5.4 ટકા થઈ ગઈ હોય પરંતુ કોવિડ 19 બાદ ગુજરાત સહીત દેશના 17 રાજ્યોએ 9 ટકાનો વિકાસ દર હાંસીલ કર્યો છે. ગુજરાતે કર્ણાટક અને મહારાષ્ટ્રની સાથે ટેકનીકલ તથા ઔદ્યોગીક વિકાસમાં 9 ટકાથી વધુ ગ્રોથ હાંસલ કર્યો છે. રાજય સરકારના વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાતમાં ઔદ્યોગીક ક્ષેત્રે રોકાણ વધતા દેશના જીડીપીમાં ગુજરાતે મહત્વનું યોગદાન આપ્યું છે.
પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ મુજબ, 25 રાજ્યોએ નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન તેમના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 7 ટકાથી વધુ વૃદ્ધિ કરી છે. આ રિપોર્ટમાં જણાવાયુ છે કે તેમાંથી 17 રાજ્યોએ 9 ટકાના વિકાસ દરને પાર કરી લીધો છે. જેમાં ગુજરાત, કેરળ, તેલંગાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ મુજબ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ કૃષિ ઉત્પાદનમાં અગ્રણી છે. તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઓડિશાએ ખનિજ સંપત્તિનો ઉપયોગ કરીને ઔદ્યોગિક પ્રગતિ કરી છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકે ટેકનિકલ અને ઔદ્યોગિક વિકાસમાં સારો દેખાવ કર્યો છે. કેરળ, રાજસ્થાન અને ગોવા જેવા પ્રવાસન રાજ્યોએ ભારતના સાંસ્કૃતિક વારસાનો લાભ લીધો છે, જેના કારણે વિદેશી હૂંડિયામણ વધ્યું છે.
તમિલનાડુ અને આંધ્ર પ્રદેશે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સારી એવી પ્રગતિ કરી છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતે પુન:પ્રાપ્ય ઉર્જામાં સારો એવો વિકાસ કર્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારે આ પ્રદેશોને વેપાર અને પર્યટનના હબમાં પરિવર્તિત કર્યા છે. કેરળ અને તમિલનાડુએ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં નવાચાર લાવીને માનવ વિકાસ સૂચકાંકમાં સુધારો કર્યો છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ, પંજાબમાં ઙઈંઝઊડ ટ્રેડ ફેર અને તેલંગાણામાં આઈટી કોરિડોર જેવી પહેલોએ વિદેશી રોકાણકારોને આકર્ષ્યા છે.
હવે ફિચે પણ વિકાસ દરનો અંદાજ ઘટાડયો
એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) પછી, ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ઘટાડીને 6.4 ટકા કર્યો છે. રેટિંગ એજન્સીએ અગાઉ દેશની અર્થવ્યવસ્થા 7.0 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો હતો. ગયા અઠવાડિયે મોનેટરી પોલિસી કમિટીની સમીક્ષા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેની વૃદ્ધિ અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યા પછી, શુક્રવારે ફિચ રેટિંગ્સે આ સુધારો કર્યો હતો. એજન્સીએ તેના તાજેતરના અંદાજમાં જણાવ્યું છે કે ભારતનો જીડીપી નાણાકીય વર્ષ 2024-25માં 6.4 ટકા અને નાણાકીય વર્ષ 2025-26માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે, જે નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકા વૃદ્ધિ દર કરતાં ધીમી રહેશે .
-
કચ્છ23 hours ago
ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ
-
ગુજરાત23 hours ago
ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા
-
ગુજરાત23 hours ago
મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
-
ગુજરાત23 hours ago
રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબો
-
ક્રાઇમ23 hours ago
હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો
-
ગુજરાત23 hours ago
રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
-
રાષ્ટ્રીય23 hours ago
સેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી
-
ક્રાઇમ23 hours ago
ઉમરાળી ગામે દીકરી દૂધ પીવાના બદલે સતત રડતી હોવાથી ચિંતામાં પિતાએ કરેલો આપઘાત